ઉત્તર ગુજરાત ની એકમાત્ર પાટણની અગ્રવાલ હોસ્પીટલે આરોગ્ય ક્ષેત્રેનું સર્વોત્તમ NABH (Full Accreditation) પ્રમાણપત્ર પ્રાપ્ત કરી સિધ્ધી હાંસલ કરી..

NABH નું પ્રમાણપત્ર મેળવવા હોસ્પિટલ નાં તમામ તબીબો સહિત સ્ટાફ પરિવાર દ્વારા અથાગ પરિશ્રમ કરતાં પરિણામ હાંસલ કર્યુ..

ઉત્તર ગુજરાત ની એકમાત્ર પાટણની અગ્રવાલ હોસ્પીટલે આરોગ્ય ક્ષેત્રેનું સર્વોત્તમ NABH (Full Accreditation) પ્રમાણપત્ર પ્રાપ્ત કરી સિધ્ધી હાંસલ કરી..

પાટણ તા.21
છેલ્લા 28 વર્ષથી આરોગ્યને લગતી અવ્વલ તથા સર્વોત્તમ સેવાઓ પુરી પાડતી પાટણ શહેરની કિલાચંદ શોપિંગ સેન્ટર ખાતે આવેલી નામાંકિત અગ્રવાલ હોસ્પીટલને તાજેતરમાં જ NABH બોર્ડ દિલ્હી (National Accreditation Board for Hospitals & Healthcare Providers) દ્વારા તેમના દર્દીઓની ગુણવત્તાસભર, સલામતી તથા સુરક્ષાસભર સર્વોત્તમ આરોગ્ય સેવાઓ અને સારવાર પુરી પાડવા બદલ આ બાબતનું ગૌરવમય તથા ઉચ્ચત્તમ પ્રમાણપત્ર NABH (Full Accreditation) એનાયત કરવામાં આવેલ છે.


આ પ્રમાણપત્ર મેળવવા અન્ય હોસ્પિટલ નાં લોકો પ્રેરિત થાય તેવા ઉદ્દેશથી માહિતી પ્રદાન કરવા બુધવારના રોજ અગ્રવાલ હોસ્પિટલ પરિવાર દ્વારા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે વાતૉલાપ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે 50 કે તેથી ઓછી પથારી ધરાવતી હોલ્પીટલોની કેટેગરીમાં NABH (Full Accreditation) મેળવનાર અગ્રવાલ હોસ્પીટલ – પાટણ એ સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ હોસ્પીટલ બન્યા નું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.


ભારત સરકારના IRDAI (Insurance Regulatory & Development Authority of India) સંસ્થાએ મેડીક્લેમ સારવાર માટે તથા આયુષ્યમાન ભારત જેવી યોજના સાથે જોડાયેલ ભારતભરની તમામ હોસ્પીટલોને આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ બાબતનું આ NABH પ્રમાણપત્ર લેવા માટેની ભારપૂર્વક ભલામણ કરેલ છે. 50 કે તેથી ઓછી પથારી ધરાવતી હોસ્પીટલની કેટેગરીમાં અત્યારસુધી સમગ્ર ગુજરાતની 13 તથા ઉત્તર ગુજરાતની માત્ર 1 જ હોસ્પીટલ (અગ્રવાલ હોસ્પીટલ) આવું NABH પ્રમાણપત્ર મેળવતા અગ્રવાલ હોસ્પીટલ પાટણે સમગ્ર ઉત્તર ગુજરાતને ગૌરવ અપાવેલ છે.


બે વર્ષ અગાઉ વર્ષ 2019 માં આ હોસ્પીટલને NABH (Entry Level)નું પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ જે પણ સમગ્ર પાટણ જીલ્લામાં પ્રથમ તથા ઉત્તર ગુજરાતની ગણી ગાઠી હોસ્પીટલો પૈકીની એક હોસ્પીટલ હતી. ભારત સરકારના NABH બોર્ડ દિલ્હી દ્વારા અગ્રવાલ હોસ્પીટલને આ ગૌરવમય NABH પ્રમાણપત્ર એનાયત થયું છે.
NABHના સંપૂર્ણ સર્ટીફીકેશન માટે NABH બોર્ડ સમક્ષ ખુબ જ જટીલભરી પ્રક્રિયામાંથી પસાર થઈ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવવાનું હોય છે. આ બોર્ડ જે QCI (Quality Council of India)નો એક ભાગ છે. જેનો ઉદ્દેશ હોસ્પીટલો દ્વારા તેમના દર્દીઓને આરોગ્યની ગુણવત્તા તથા સલામતીસભર આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો તથા ત્યારબાદ તેની જાળવણી કરવાનો છે. આ માટે બોર્ડ દ્વારા 100 Standards અને 651 જેટલા Objectives (ચોક્કસ ધારાધોરણો તથા માપદંડો) નક્કી કરવામાં આવ્યા છે. જેનું પાલન કરવું ખુબ જ અઘરૂ તથા મુશ્કેલભરેલ પરંતુ ઈચ્છનીય હોય છે. આ સર્ટીફીકેશન માટે દરેક હોસ્પીટલે ત્રણ તબક્કામાંથી પસાર થવાનું રહે છે. જેમાં NABH બોર્ડના નિષ્ણાંત તબીબો તથા સભ્યોની ટીમ દ્વારા હોસ્પીટલ દ્વારા પુરા પાડવામાં આવેલ તમામ Documents–પ્રમાણપત્રોની ખરાઈ કર્યા બાદ, હોસ્પીટલનું રૂબરૂ નિરીક્ષણ તથા પરીક્ષણ ખુબ જ ચીવટભર્યુ તથા ઝીણવટભરી રીતે તબક્કાવાર કરવામાં આવે છે. અગ્રવાલ હોસ્પીટલ પાટણમાં પણ દિલ્હીથી આવેલ ખાસ ટીમે બે દિવસ રોકાઈને હોસ્પીટલના તમામ વિભાગો, મેડીકલ અને અન્ય રેકોર્ડસનું સૂક્ષ્મ નિરીક્ષણ કરેલ.જે દરમ્યાન ટીમ દ્વારા હોસ્પીટલમાં દર્દીઓનાં રજીસ્ટ્રેશનથી લઈને, દર્દીઓની સાર-સંભાળ, સુવિધા, સલામતી,ચેપ નિયંત્રણ, દવાઓનું સંચાલન, બેક્ટેરીયા મુક્ત મોડ્યુલર ઓપરેશન થીએટર, ઓપરેશનના સાધનો જંતુમુક્ત કરવા આધુનીક CSSD વિભાગ, દર્દીના અધિકારો, ફરજો, શિક્ષણ, દર્દીઓની સલામતી અને ગુણવત્તા સભર સારવાર, સ્ટાફની જવાબદારી, તેમની ફરજો, હક્કો તથા સ્ટાફ ટ્રેનિંગ અને મેનેજમેન્ટની જવાબદારી જેવા વિવિધ પાસાઓને આવરી લીધા હતાં. ટીમ દ્વારા દર્દીના સગા, હોસ્પીટલ સ્ટાફ અને છેલ્લે મેનેજમેન્ટ સાથે અલગ અલગ મુલાકાત-ચર્ચા કરી માહિતી મેળવેલ. દર્દીના ફીડબેક (અભિપ્રાયો) પણ લેવામાં આવ્યાં. આ બધી જ જટીલ કસોટીઓમાં અગ્રવાલ હોસ્પીટલ પાટણ ખરી ઉતરતા તથા હોસ્પીટલ મેનેજમેન્ટની NABH પ્રમાણપત્ર મેળવવા માટેની તૈયારીઓ તથા કાર્યબદ્ધતાની નિષ્ણાંત ટીમે ખુબ જ પ્રશંસા તથા સરાહના કરેલ અને આ બાબતનો પોતાનો હકારાત્મક રીપોર્ટ NABH બોર્ડને મોકલી આપેલ. જેને NABH બોર્ડ દ્વારા તેઓને મળેલ બોર્ડ મીટીંગમાં ચર્ચા કરી, સ્વીકારવામાં આવેલ અને ત્યારબાદ બોર્ડ દ્વારા અગ્રવાલ હોસ્પીટલ પાટણને આ ગૌરવમય NABH (Full Accreditation) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે.
આ સમગ્ર પ્રોજેક્ટના કો-ઓર્ડીનેટર તરીકે ડૉ. સુનીતાબેન અગ્રવાલ તથા સહાયક કો-ઓર્ડીનેટર તરીકે ડૉ. જે. જે. ઠક્કર, ડૉ. અમીત અગ્રવાલ, ડૉ. અતુલ અગ્રવાલ તથા ડૉ. કૃપાલ પટેલ હતાં. પ્રોજેક્ટ ઈન્ચાર્જ તરીકે શ્રી કિરણભાઈ પ્રજાપતિએ સુંદર કામગીરી કરેલ.


આ પ્રસંગે સુંદર તથા પ્રશંસનીય કામગીરી કરવા બદલ અગ્રવાલ હોસ્પીટલ મેનેજમેન્ટ તેમના સ્ટાફમિત્રો તથા આરોગ્ય સેવાઓ અવિરત પુરી પાડવામાં મદદરૂપ થનાર તમામ એજન્સીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. હાલમાં અગ્રવાલ હોસ્પીટલમાં સર્જરી, યુરોલોજી, ડાયાલીસીસી, મેડીસીન, ગાયનેક તથા બાળરોગ જેવા ફુલ ટાઈમ વિભાગો કાર્યરત છે તથા લગભગ મોટા ભાગના તમામ સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોની વીજીટીંગ સેવાઓ મળતી રહે છે. આ હોસ્પીટલ મેડીક્લેમ ધરાવનારા વીમાધારકો માટે 50 થી વધુ વીમા કંપનીની કેશલેસ સારવારની સુવિધા અપાવનાર ઉત્તર ગુજરાતની પ્રથમ હોસ્પીટલ છે. આ ઉપરાંત આ હોસ્પીટલમાં ભારત સરકારની આયુષ્યમાન ભારત (PMJAY) યોજના હેઠળ PMJAY/MA કાર્ડ ધરાવનાર લાભાર્થીઓને જનરલ સર્જરી, કીડનીને લગતા તથા ગાયનેક વિભાગનાં ઓપરેશનો, ડાયાલીસીસ અને નવજાત શિશુઓની સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.


અગ્રવાલ હોસ્પીટલે આવનારા દિવસોમાં દર્દીઓને ગુણવત્તા સભર, હુંફભરી-સહાનુભૂતિપૂર્વકની તથા અત્યઆધુનિક સારવાર મળી રહે તે માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.