પાટણમા શિતળા સાતમની શ્રી શિતળા માતાજીના મંદિર પરિસર ખાતે ભકિત સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી…

પાટણમા શિતળા સાતમની શ્રી શિતળા માતાજીના મંદિર પરિસર ખાતે ભકિત સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી…

મહિલાઓ દ્વારા માનેલી બાધા માનતાં માતાજી સન્મુખ શિશ નમાવી પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવી..

પાટણ તા.૧૮
પાટણ શહેરમાં શિતળા સાતમ નિમિત્તે શિતળા માતાના પૂજન અર્ચન અને દર્શનાર્થે મંદિરોમાં સવારે બહેનો ની ભારે ભીડ જોવા મળી હતી. બાળકોની માનેલ બાધા આખડીમાં મહિલાઓએ સુખડી , સાકર , કુલેર અને પાણીની મટકી મૈયાના ચરણોમાં અર્પણ કરી પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી . પરિવારમાં શિતળતા માટે શિતળા માતાના દર્શન કરી ગૃહિણીઓએ ઘરે ચૂલો પ્રગટાવ્યો નહોતો અને બુધવારનું રાંધણ ગુરુવારે ભોજનમાં લઈને ટાઢી સાતમ ઉજવી ચુલા ની પણ પરંપરા અનુસાર પુજા કરી હતી.

પાટણના છીંડીયા દરવાજા નજીક આવેલા વર્ષો જૂના શીતળા માતાજી મંદિરમાં સવારથી પૂજન અર્ચન અને દર્શનાર્થે લોકો ઉમટતા લાઈન લાગી હતી. મંદિરમાં શ્રીફળ , ચુંદડી સાથે મહિલાઓએ શિતળા માતાજીના પૂજન અર્ચન કર્યા હતા તો શહેરના ખોખરવાડા અને છીડિયા સ્થિત પ્રાચીન શિતળા માતાના મંદિરમાં મહિલાઓ બાળકો સાથે મૈયા સન્મુખ શીશ નમાવી જીવનમાં શિતળતાની પ્રાર્થના કરી હતી . સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો ધસારો રહ્યો હતો . જ્યાં બાધા આખડીમાં પ્રસાદી સાદર કરી શિતળા માતાના દર્શનનો લ્હાવો લીધો હતો . મંદિર પરિસર બહાર મેળા નો માહોલ જામ્યો હતો તો બાળકોએ ચકડોળ,જમ્પિંગ જાપાક માં કૂદાકૂદ કરી મેળા ની મજા માણી હતી.

પાટણ યુનિવર્સિટી રોડ પર આવેલા સિંધવાઈ માતા મંદિરમાં શિતળા માતાના દર્શનાર્થે ટીબી ત્રણ રસ્તા હાઈવે વિસ્તારની સોસાયટીઓ માંથી મહિલા દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા જયાં શિતળા માતાજીના પૂજન અર્ચન કર્યા હતા અને બપોર સુધી મંદિરમાં મૈયાના દર્શનાર્થે બહેનો ની લાંબી લાઈન જોવા મળી હતી.