ઇન્ટર્નલ હલચલ : ગુજરાત ભાજપમાં કલ્પનાતિત્ ટ્વિસ્ટ આવે છે

ઇન્ટર્નલ હલચલ : ગુજરાત ભાજપમાં કલ્પનાતિત્ ટ્વિસ્ટ આવે છે

ગૂડબાય ભૂપેન્દ્રજી…………………………………………..વૅલકમ રૂપાલા!

નવરાત્રિ પછી ખુદ વડાપ્રધાન ગુજરાત ભાજપની ‘નવા નાકે દિવાળી’ કરાવતી જાહેરાત કરી શકે છે

ચૂંટણી પૂર્વે પાટીદાર વૉટ બૅન્કને પોતિકી કરવા ભાજપ હાઇકમાન્ડ જબ્બરદસ્ત ફેરબદલની ફિરાકમાં

ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે પરશોત્તમ રૂપાલા ઊપરાંત મનસુખ માંડવિયાનું નામ પણ શામેલ

તા.23/08/2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં એટલે કે નવરાત્રિ પછી ગુજરાત ભાજપમાં કલ્પનાતિત્ટ્વિસ્ટ આવે તેવી પાક્કી સંભાવનાં છે. આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી મુજબ મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્રભાઇ પટેલના સ્થાને પરશોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી તરીકે પ્રોજેકટ કરવાની દિલ્હીના દરબારમાં ભેદી હિલચાલ ચાલી રહી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો નબળો રિપોર્ટ હોવાનું બહાર આવતાં મોદીએ સંકટ મોચકને દિલ્હીથી ગુજરાત દોડાવ્યા છે. છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષે ગુજરાતમાં પડાવ નાંખ્યો છે. હાલના ચિત્રનો તાગ મેળવવા કમલમમાં સતત બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે. જેમાં ગુજરાતમાં પ્રદેશ હોદેદારો અને મહામંત્રી સાથે બેઠક યોજી આંતરિક જૂથવાદ અને પ્રદેશના નેતાઓથી કાર્યકરો નારાજ હોવાનું કહી ઉપસ્થિત લોકોને શાનમાં સમજી જવા ઠપકો આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બે મંત્રીઓને હટાવ્યા એ સેમિફાઇનલ પિકચર હતું હવે ફાઇનલ મેચમાં મુખ્યમંત્રી બદલાવાનો જબ્બરદસ્ત આયામ ચાલી રહ્યો છે. કારણ કે ભૂપેન્દ્ર સરકારનું રિપોર્ટ કાર્ડ અતિશય નબળું હોવાનું જાહેર થતાં ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન પહોંચી શકે છે. તે રિપોર્ટથી દિલ્હીમાં ઘેરા પડઘા પડયાં છે. ગુજરાત એ ભાજપનું ‘નાક’ કહેવાય તે જાય તે કોઇ હિસાબે પોસાય તેમ નથી. એટલે જ ગુજરાતમાં ઇતિહાસમાં ન લેવાયા નિર્ણયો લેવાય રહ્યાં છે. ચૂંટણી પૂર્વે પાટીદાર વૉટ બૅન્કને પોતિકી કરવા ભાજપ હાઇકમાન્ડ જબરદસ્ત ફેરબદલની ફિરાકમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાં નવા ભાવિ મુખ્યમંત્રી તરીકે પરશોત્તમ રૂપાલા ઉપરાંત મનસુખ માંડવિયાને પ્રોજેકટ કરવાનો પ્રયાસ અંદરખાને ચાલી રહ્યો છે. જેમાં રૂપાલા ફિટ બેસતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભૂપેન્દ્ર સરકારના નબળા રિપોર્ટના પડઘા દિલ્હીમાં?

ભાજપ સરકારે ભૂપેન્દ્ર સરકારનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં તમામ મંત્રીઓની કામગીરીને લઇને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ભૂપેન્દ્ર સરકારની નબળી કામગીરી હોવાનું બહાર આવતા તેના ગંભીર પડઘા દિલ્હીમાં પડયા હતા. એટલે જ ગુજરાતનું હવે મોનિટરીંગ દિલ્હીથી જ થઇ રહ્યું છે.

પ્રદેશ નેતાઓથી કાર્યકરો નારાજનો રિપોર્ટ?

પ્રદેશમાં ચાલતા આંતરિક જૂથવાદ તેમજ પ્રદેશના નેતાઓથી કાર્યકરો નારાજ હોવાનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમાં મનફાવે તેવી કામગીરી કરતા મંત્રીઓ અને પ્રદેશ નેતાઓથી ભાજપના કાર્યકરો નારાજ છે તેવો રિપોર્ટ પણ દિલ્હી મોકલાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સી.આર.પાટીલ ફરી ખોટા સાબિત થશે?

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ જણાવ્યું હતું કે ગુજરાતની આગામી ચૂંટણી વિજય રૂપાણીના ચહેરા ઉપર જ લડવામાં આવશે તેવું થયું નહીં અને ફરીવાર તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીની મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ હશે. આ વાત પણ  સાચી પડશે કે ખોટી ઠરશે તે આગામી દિવસોમાં જ ખબર પડી જશે.