પાટણ શહેરમાં અવિરત પડી રહેલા વરસાદે શહેરીજનોની હાલત કફોડી બનાવી..

પાટણ શહેરમાં અવિરત પડી રહેલા વરસાદે શહેરીજનોની હાલત કફોડી બનાવી..

શહેરના હાઇવે વિસ્તાર વરસાદી પાણીથી જળબંબાકાર બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા…

શહેરનુ આનંદ સરોવર છલોછલ ભરાતા પાલિકા તંત્ર એ વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી..

આનંદ સરોવર આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાતા રહિશો ની મશ્કેલી વધી..

પાટણ તા.૨૪
હવામાન વિભાગ ની આગાહી નાં પગલે છેલ્લા ત્રણ દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હળવા થી ભારે વરસાદ નાં પગલે લોકોની મુશ્કેલી વધી છે. પાટણ શહેર માં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ ની હેલી બંધાઈ હોય ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે.

શહેરના આનંદ સરોવર માં વરસાદી પાણીનુ આવરણ થતાં આનંદ સરોવર વરસાદી પાણીથી ભરાઈ જતા આનંદ સરોવર આજુબાજુ ની સોસાયટીના વિસ્તારમાં વરસાદી પાણી ઘુસ્યા હતા જેના કારણે સોસાયટીના રહીશો ની મુશ્કેલીઓ વધવા પામી હતી.તો વરસાદી પાણીના નિકાલ માટે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ દ્વારા પાલિકા સત્તાધીશો ને અવગત કરાતાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ચિફ ઓફિસર સહિત શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્ર્વરી, કોર્પોરેટર ધનશ્યામ પટેલ,મુકેશ પટેલ,ડોઆસુતોષ
પાઠક સહિતનાઓએ આનંદ સરોવર ની મુલાકાત લઈ વરસાદી પાણી નાં યોગ્ય નિકાલ માટે વિચાર વિમર્શ કરી વરસાદી પાણી થી ચિક્કાર ભરેલા આનંદ સરોવર માંથી પાણી ઉલેચવા મશીન મુકી જેસીબી મશીન દ્વારા નેક બનાવી આનંદ સરોવર આજુબાજુ નાં વિસ્તારના રહીશો ને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે.પાલિકા સતાધીશો સહિત ભાજપના આગેવાનો કાયૅકરો દ્વારા આનંદ સરોવર ખાતે વરસાદ ની આગાહી નાં પગલે હાથ ધરવામાં આવેલ કામગીરીને આ વિસ્તારના રહીશો એ સરાહનીય લેખાવી હતી.

તો સિધ્ધપુર ચાર રસ્તા સહિતના હાઈવે વિસ્તારો વરસાદી પાણીનાં કારણે જળબંબાકાર બનતા વાહનચાલકો મુશ્કેલી માં મુકાયાં હતાં.શહેરના રેલવે ગરનાળા, કોલેજ રોડ પરનો અંડર પાસ પણ પાણીમાં ગરક થયો હતો.શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ થી લીલી વાડી સુધીનાં માગૉ પર પણ વરસાદ નાં પાણી ફરી વળતા કમૅભૂમિ સોસાયટી નાં નિચાણવાળા મકાનો માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામી હતી.તો શહેરના પદમનાભ ચાર રસ્તા પર પણ વરસાદ નાં પાણી ભરાતા આ વિસ્તારના રહીશો સહિત વાહનચાલકો ને યાતનાઓ ભોગવવી પડી હતી.જોકે વરસાદે વિરામ લેતાં શહેરીજનો એ મહંદઅંશે રાહત અનુભવી છે ત્યારે પાલિકા સત્તાધીશો સહિત ડિઝાસ્ટર વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોની સમસ્યા હલ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે વરસતા વરસાદ નાં કારણે ચારે તરફ જળબંબાકાર ની સ્થિતિ નું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.