જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વ નો જૈન નગરી પાટણ માં ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વ નો જૈન નગરી પાટણ માં ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

ક્ષમા, યાચના, પ્રાણી પ્રત્યે જીવદયા, અહિંસા અને આત્માની શુધ્ધિ કરવાનું જૈનોનું એકમાત્ર મહાપર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ..

પાટણ તા.૨૪
જૈનોની તપોભૂમિ કહેવાતા પાટણ નગરમાં મૂર્તિપૂજક જૈનોના પર્યુષણ પર્વનો આજથી ભક્તિ સભર માહોલમાં પ્રારંભ થયો છે. બુધવારથી પ્રારંભ થયેલા પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણને લઈ પાટણના પ્રાચીન પંચાસર પાર્શ્વનાથ જીનાલય ખાતે જૈન સમુદાયના શ્રાવકોએ ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજાઅર્ચના કરી હતી.

ત્યારબાદ ઉપવાસની તપસ્યા આદરેલા જૈન અને જૈનેતર શ્રધ્ધાળુઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. તો બીજી તરફ મહાપર્વના પ્રથમ દિવસે જીનાલય સમીપ આવેલ નગીનભાઈ પોષધશાળા ખાતે મુની ભગવંતોની નિશ્રામાં જૈન શ્રાવકોને ક્ષમા, યાચના, ત્યાગ અને પ્રેમભાવનાનું જ્ઞાન પીરસવામાં આવ્યુ હતું. વધુમાં મુનીશ્રીએ પત્ની, પુત્ર, પ્રતિષ્ઠા અને પદ જેવા પાંચ ‘પ’નું માનવજીવનમાં કેટલુ મહત્વ રહેલું છે તેમજ ભગવાન મહાવીર સ્વામીની પૂજાઅર્ચનાના પાંચ ‘પ’નું કેટલું મહત્વ છે તે અંગેનું વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું.

આ મહાપર્વમાં જૈન સમુદાયના શ્રાવકો આઠ દિવસ સુધી ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની તપસ્યામાં લીન બની પૂજાઅર્ચના કરશે. તો પર્વના સાતમા દિવસે વિવિધ ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણની ઉજવણી કરવામાં આવશે.