અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને પાટણના માઇભક્તો માં અનેરો ઉત્સાહ..

અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને પાટણના માઇભક્તો માં અનેરો ઉત્સાહ..

ભાદરવી પૂનમિયા સંઘમાં પાટણ જિલ્લા માંથી 66 સંઘો નોંધાયા : આ સિવાય પણ અનેક સંઘોએ તૈયારી શરૂ કરી…

આ વખતે ઓનલાઇન વાહનપાસ ફરજિયાત, પાસ હશે તો જ વાહન ઉતારા સુધી લઇ જઇ શકાશે..

પાટણ તા.૩૦
અંબાજીમાં ભાદરવી પૂનમનો મા અંબાનો મહામેળો તા.5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભરાનાર હોઇ વર્ષોથી પગપાળા સંઘો લઇને જતાં માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મેળામાં રાજ્યભર માંથી આવતા સંઘોને ફરજિયાત ઓનલાઇન પાસ પરમીટની વ્યવસ્થા લાગુ કરાઇ છે. જેમાં પાટણ જિલ્લા માંથી અત્યાર સુધીમાં 66 જેટલા પગપાળા સંઘોની ઓનલાઇન નોંધણી થઇ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.
આ સંઘો સીધુ સામાનવાળાં વાહનો સાથે અંબાજીમાં ઉતારા સ્થળ સુધી જઇ શકે તે માટે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા વાહનના પાસ કઢાવી તેનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે.

ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં રજીસ્ટ્રર્ડ 1470 સંઘોના 28 ઝોન મારફતે વાહન એન્ટ્રીપાસ વિતરણ શરૂ કરાયું છે. પાટણ ઝોનના સુરેશભાઈ પટેલ અને મેહુલ ભાઈ પટેલે જણાવ્યુ હતું કે ,અગાઉ મેન્યુઅલી સંઘના ફોર્મ ભરી અંબાજીમાં પાસ પરમીટ માટે મોકલતાં અને મંજૂરી મળે એટલે વિવિધ સંઘોના સ્ટીકર પાસ તૈયાર કરી પહોંચાડતા હતા. આ વખતે અંબાજી પ્રશાસન દ્વારા ઓનલાઇન પાસ કરાયા હોઇ છેલ્લા 10 દિવસથી અંબાજી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ કાર્યાલય ખાતે ઓનલાઇન સંઘોની પાસ માટે એન્ટ્રી કરી ફોર્મ નોંધાવેલ અને પાસ કાઢી હવે ઝોન પ્રતિનિધિ મારફતે સંઘોને પહોંચાડવાનું શરૂ કર્યું છે.પાટણ જિલ્લાના 66 જેટલા સંઘો ને પાસ પરમીટ આપી દેવમાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

પાટણ જિલ્લા માંથી 66 સંઘ નોંધાયેલા છે અને આ તમામ સંઘોને રથ અને વાહનને દાંતા, પછી થી અંદર જ્યાં ઉતારો હોય ત્યાં સુધી લઇ જવા ઓનલાઇન પાસ તૈયાર કરી મેળવી લીધા છે અને પાટણ ના બાકી ના સંઘો ને પણ ટુંક સમયમાં પાસ વિતરણ થઈ જશે.કોરાના કાળ બાદ યોજાનાર ભાદરવી પૂનમના અંબાજી મહાકુંભ ને લઈને માઈભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.