પાટણમાં રખડતાં ઢોર નો વધું એક નિદોર્ષ વ્યક્તિ ભોગ બન્યો છતાં પાલિકા તંત્ર નિંદ્રા અવસ્થામાં..

પાટણમાં રખડતાં ઢોર નો વધું એક નિદોર્ષ વ્યક્તિ ભોગ બન્યો છતાં પાલિકા તંત્ર નિંદ્રા અવસ્થામાં..

72 વર્ષીય વૃધ્ધને ગાયે ભેટુ મારતાં કપાળ ના ભાગે ત્રણ ટાંકા આવ્યા..

પાટણ તા.૩
પાટણ શહેરમાં વધુ એક વૃદ્ધ રખડતી ગાયોની અડફેટે આવતા લોહી લુહાણ થઇ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા અને પરિવારજનોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઇ હતી.
મળતી માહિતી મુજબ પાટણ શહેરના ચાચરિયાના મોટા પાડામાં રહેતા વિનોદભાઈ બાબુભાઈ મોદી નામના 72 વર્ષના વયસ્ક નાગરિક તેમના રોજિંદા નિયમ મુજબ મોડી સાંજે હિંગળાચાચર ખાતે આવ્યા હતા અને પાટિયા પર તેમના અન્ય મિત્રો સાથે બેસી સમય થતાં ઘરે જવા નીકળ્યા હતા. તેઓ પાટીયા પરથી ઉભા થઈને નીકળતા જ અહીં નાણાવટી સાબુની દુકાન આગળના ભાગે ઊભેલી ગાયો પૈકી એક ગાયે પાછળથી તેમને ભેટું મારી નીચે પાડી દેતા તેમને કપાળના ભાગે ઇજાઓ થતા લોહીલુહાણ થઈ ગયા હતા.

તેમને તાત્કાલિક શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કપાળમાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા.આ ઉપરાંત સીટી સ્કેન પણ કરાવવું પડ્યું હતું. પાટણ નગરપાલિકાની નિષ્ફળતા અને રખડતા ઢોરોના પાપે એક વૃદ્ધ નાગરિકને શારીરિક ઈજાગ્રસ્ત થવા ઉપરાંત મોટું આર્થિક નુકસાન પણ ભોગવવું પડ્યું હતું. પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજેરોજ નિર્દોષ લોકો રખડતા ઢોરોના આતંકનો ભોગ બની રહ્યા હોઇ મોટી ઉંમરના વ્યક્તિઓ તેમજ અશક્ત અને વૃદ્ધ નાગરિકો હવે બહાર નિકળતા પણ ભયની લાગણી અનુભવી રહ્યા છે તેમજ વાહનચાલકોને પણ રખડતા ઢોરોના કારણે ખૂબજ પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે, ત્યારે નગરપાલિકા તંત્ર તેમની જવાબદારી સમજીને નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા અસરકારક પગલાં ભરે તેવી વ્યાપક લોગ માંગ ઉઠી છે.