પાટણમાં અનુ.જાતિ સમાજની પરંપરા અનુસાર ત્રિ-દિવસીય સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ ઉજવાયું..

પાટણમાં અનુ.જાતિ સમાજની પરંપરા અનુસાર ત્રિ-દિવસીય સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ ઉજવાયું..

અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કોરોનાના બે વર્ષ બાદ શ્રદ્ધા ભક્તિ સાથે સમૂહમાં ઉજાણીનું પર્વ ઉજવી સમાજ એકતાના દર્શન કરાવ્યા..

પાટણ તા.૬
પાટણ શહેરમાં વર્ષોથી નિયત થયેલ જુદા જુદા સ્થળો ખાતે પરંપરાગત રીતે અનુસુચિત જાતિ સમાજની સમૂહ ટોપલા ઊજાણીનું પર્વ ધામધૂમથી હર્ષોલ્લાસપૂર્વક ઉજવાય છે. આ ઉજાણીમાં ટોપલાં ઉપાડવાનો આનંદ અનેરું ગૌરવ અનુભવાય છે. ખાસ કરી ને નવા લગ્ન કરેલ વહુઓને ખાસ ઉજાણી પ્રસંગે તેડાવીને તેમને માથે ટોપલો ઉપાડવાનું ગૌરવ પ્રદાન કરવામાં આવે છે.

ધાર્મિક ઉપરાંત સામાજિક દ્રષ્ટિએ પણ અનુસૂચિત જાતિ સમાજની સમૂહ ટોપલાં ઉજાણીનું મોટું માહાત્મ્ય રહ્યું છે, જેમાં સૌ સાથે નીકળતા હોઈ એકબીજાનો પરિચય અને સંબંધ પણ કેળવાય છે. ઉજાણી નિમિત્તે અનેરા આનંદ ઉમંગ સાથે બહેનો ઘરેથી સજીધજીને ટોપલા ઉપાડીને વાજતે ગાજતે નીકળે છે અને વર્ષોથી નિયત સ્થળોએ પહોંચીને માતાજીને પ્રસાદ નૈવેદરૂપે ઘરે છે.

પાટણમાં ફાટીપાળ દરવાજા બહાર તેમજ બળિયા હનુમાન મંદિર કેમ્પસ અને અગાસીયા વીર મંદિર કેમ્પસ ખાતે પરંપરાગત રીતે સમૂહ ટોપલાં ઉજાણી ઉજવાતી રહી છે. શહેરના મોટીસરા, નાનીસરા તેમજ આસપાસના નાના મહોલ્લા ખાતેની ઉજાણી પરંપરાથી ફાટીપાળ દરવાજા બહાર જૈન બોર્ડિંગ સામેના ભાગે વર્ષો પૂર્વથી યોજાય છે. જોકે, અહીં સમય જતાં ઉજાણીની જગ્યામાં દબાણો વધી જતાં અત્યારે ઉજાણીનું પર્વ ઉજવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જગ્યા સાંકડી બની જતા બહેનો ઢોલના તાલે ગરબે પણ રમી શકતાં ન હોવાનું પૂર્વ પાલિકા પ્રમુખ દેવજીભાઈ પરમાર, મુકેશભાઈ સોલંકી તેમજ વડીલોએ જણાવ્યું હતું. અને આ જગ્યા અનુસૂચિત જાતિ સમાજની ઉજાણી માટે નિયત કરવા અગાઉ પાલિકામાં ઠરાવ થયેલ હોઈ તેનો અમલ કરવા માગણી વ્યક્ત થઈ હતી.

પ્રસાદમાં પ્રથમ દિવસે કંસાર અને ખીચડીનો પ્રસાદ ધરાવામાં આવે છે તો બીજા દિવસે દાળ અને રોટલીનો પ્રસાદ નેવેધરૂપે ધરાવે છે. પ્રસાદ ઘરેથી જ બનાવીને ટોપલામાં લઈ જવાય છે અને નાનકડા હવનમાં નૈવેધ ધરી પ્રસાદ વહેંચી દેવામાં આવે છે. ત્રીજા દિવસે પોતપોતાના મહોલ્લાઓમાં હવન કરીને ઉજાણી નું પર્વ
સંપન્ન કરવામાં આવે છે.
પાટણ શહેરના ધનું કુવા વિસ્તારમાં એકત્ર થઈ પ્રાચીન મહાકાલિકા માતાના મંદિર સન્મુખ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પરંપરાગત ધાર્મિક કરવૈઠું પૂરું કરવામાં આવ્યું હતું. બહેનો ઢોલના તાલે ઉમંગભેર ગરબા ગાઈને તો યુવાનો અને બાળકો નાસ્તા-પાણી કરીને ઉજાણીનો આનંદ માણ્યો હતો.