પાટણ જિલ્લા સેવા સદન સહિત 5 વિધાનસભા હેડક્વાટર પર EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરાયા..

પાટણ જિલ્લા સેવા સદન સહિત 5 વિધાનસભા હેડક્વાટર પર EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરાયા..

ગામે-ગામ લોકોને EVM મશીનની જાણકારી માટે 11 મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન શરૂ કરાઈ…

નિદર્શન કેન્દ્રમાં જનતાને અપાઈ રહી છે EVM મશીન વિશે સંપૂર્ણ જાણકારી..

પાટણ તા.૯
શું આગામી ચૂંટણીમાં આપ પહેલીવાર મત આપવા જઈ રહ્યા છો અને આપને EVM મશીન વિશે મુંઝવણ છે? તો આપની આ મુંઝવણને દૂર કરવા માટે પાટણમાં EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લોકોને EVM મશીન વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી રહી છે. ભારતીય ચૂંટણીપંચ દ્વારા હાલમાં દરેક જિલ્લામાં EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જે પણ વ્યક્તિ હાલમાં પ્રથમવાર મત આપવાના હોય અથવા જે લોકોને EVM વિશે કોઈ પ્રશ્ન હોય તેવા લોકોને લાઈવ તાલીમ આપવામાં આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણી માટે સામાન્ય લોકો મતદાન અંગે જાગૃત થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ EVM નિદર્શન કેન્દ્રનો ઉભા કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાનું EVM નિદર્શન કેન્દ્ર જિલ્લા સેવા સદન ખાતે શરૂ કરવામાં આવ્યું છે. EVM નિદર્શન કેન્દ્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો EVM મશીનનો ઉપયોગ કઈ રીતે થાય તે વિશેની જાણકારી મેળવવા માટે આવી રહ્યા છે. અહીંના કર્મચારીઓ દ્વારા લોકોને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યુ છે.

પાટણ જિલ્લાને કુલ 4 વિધાનસભા બેઠકો લાગુ પડે છે. જેમાંથી કુલ 5 વિધાનસભા હેડક્વાટર ખાતે હાલમાં આ EVM નિદર્શન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. પાટણ, રાધનપુર, સરસ્વતી, સમી અને સિદ્ધપુરમાં હાલમાં EVM નિદર્શન કેન્દ્ર દ્વ્રારા લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. EVM અંગેની જાગૃતતા માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન શરૂ કરવામાં આવી છે. જે મોબાઈલ ડેમોસ્ટ્રેશન દ્વારા લોકોને માહિતી આપવામાં આવી રહી છે. જેથી ગામડાનાં લોકોને પણ EVM મશીન વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે. જિલ્લામાં કુલ 1231 બૂથમાંથી 785 લોકેશન પર હાલમાં મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન ફરી રહી છે. જે લોકોને મતદાન અંગે જાગૃત કરી રહે છે. જિલ્લામાં કુલ 11 જેટલી મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન પાટણ જિલ્લાના તમામ ગામડે જઈને લોકોને EVM મશીનનો કઈ રીતે ઉપયોગ કરવો તે વિશે લાઈવ ડેમો આપી રહે છે.

જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે પાટણમાં અંદાજીત 23 હજારથી વધુ નવા મતદારો નોંધાયા છે. આ તમામ નવા મતદારોએ મતદાન કરતા પહેલા EVMની સમજ મેળવી લેવી જોઈએ. EVM નિદર્શન કરી તેમના પ્રશ્નોનાં જવાબ મતદાન કરતા પહેલા મેળવી લેવા જોઈએ. પાટણ જિલ્લાના ગામે ગામ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન ફરી રહી છે તેમજ તાલુકા મથકોએ EVM નિદર્શન કેન્દ્રો પર EVMની સમજ આપવામાં આવી રહી છે. તેનો લાભ લઇ EVMની સમજ મેળવી દેશની લોકશાહીને વધુ મજબૂત કરવી જોઈએ.