પાટણ જિલ્લા માં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2022ની ઝુંબેશનું સમાપન…

પાટણ જિલ્લા માં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા   2022ની ઝુંબેશનું સમાપન…

પાટણ જિલ્લામાં 32,557 લોકોએ મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી મેળવ્યો મતાધિકાર..

મતદારયાદીમાં નામ નોંધણી કરાવવામાં યુવાનો અગ્રેસર : 18 થી 19 વર્ષની વયજૂથનાં 16,817 યુવાઓએ નોંધણી કરાવી…

ચુંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે જોડાણ કરાવવામાં પાટણ જિલ્લો અગ્રેસર: 4,33,593 લોકોએ કરાવ્યું જોડાણ..

પાટણ તા.12
રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવ્યો. જેને ખુબ બહોળો પ્રતિસાદ મળ્યો છે. તા.12.08.2022 થી તા.11.09.2022 સુધી ચાલેલ આ કાર્યક્રમ અંતર્ગત જે નાગરિકોએ મતદારયાદીમાં નામની નોંધણી નહોતી કરાવી તેવા નાગરિકોએ નામની નોંધણી કરાવીને પોતાનો મતાધિકાર મેળવ્યો છે અને સાથે-સાથે અનેક યુવા મતદારો કે જેઓ પ્રથમવાર મત આપવા જઈ રહ્યા છે તેઓ પણ મતદારયાદીમાં નામની નોંધણી કરાવીને આગામી ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લો મતદાયાદી માં નામની નોંધણી કારાવવાની ઝુંબેશમાં અગ્રેસર છે. અત્યાર સુધીમાં કુલ 32,557 જેટલા લોકોએ મતદારયાદીમાં નામની નોંધણી કરાવી છે. જેમાં જિલ્લાના 16,817 યુવાઓએ મતદારયાદીમાં પોતાના નામની નોંધાણી કરાવી છે.

આ યુવાઓ આગામી ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સરકાર દ્વારા ચુંટણીને ધ્યાનમાં રાખીને મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો ત્યારથી અત્યારસુધી આ કાર્યક્રમ માટે ખુબ જોરશોરથી વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. પાટણમાં વિવિધ શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, વિવિધ ગામડાઓમાં જઈને મતદારયાદી સુધારણા કાર્યક્રમનો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. જેનું પરિણામ એ આવ્યુ કે આજે કાર્યક્રમના અંતે જિલ્લાના કુલ 32,557 લોકોએ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી લીધી છે. આ નાગરિકો હવે આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

તા.12.08.2022 થી તા.11.09.2022 સુધી ચાલેલા આ ક્રાર્યક્રમનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. જેમાં કુલ 10,021 લોકોએ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી હતી. આ તરફ કુલ 99,857 લોકોએ ચુંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે જોડાણ કરાવ્યું હતુ. ગઈકાલે છેલ્લો દિવસ હતો અને રવિવાર હોવાથી ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવી હોવાથી લોકોએ મોટી સંખ્યામાં મતદાર સુધારણા કાર્યક્રમમાં લાભ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2022 અંતર્ગત એવા નાગરીક કે જેઓ મૃત્યુ પામ્યા હોય, અથવા હંમેશા માટે સ્થળાંતર કર્યું હોય તેવા નાગરીકોનું નામ કમી પણ કરવામાં આવ્યુ હતુ. પાટણ જિલ્લામાં અત્યારસુધીમાં 8,439 લોકોનું નામ કમી કરવામાં આવ્યુ છે. તદઉપરાંત મતદારયાદીમાં પોતાનું નામ, અટક, સરનામું વગેરે કોઈપણ પ્રકારનો સુધારો કરાવવો હોય તે કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાંથી 11,089 લોકોએ મતદારયાદીમાં સુધારો કરાવ્યો છે.

ભારતીય ચુંટણી પંચ દ્વારા આયોજીત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2022 અંતર્ગત બહોળી સંખ્યામાં નાગરીકોએ લાભ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં પાટણ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો છે. જે અંગે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીએ પાટણના નાગરીકોની જાગૃતતાને બિરદાવી તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે. દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાર તરીકે નોંધણી કરાવી પાટણના નાગરિકોએ દેશ પ્રત્યેની પોતાની નૈતિક ફરજ અદા કરી છે.