ગુજરાત માં ભાજપ સામે હવે આપનો જંગ કોંગ્રેસ હારે છે માટે મત બગાડતા નહિ : રાઘવ ચડ્ડા

પાટણ સુભાષ ચોકમાં આમ આદમી પાર્ટીના સમર્થન માં જંગી જાહેર સભા યોજાઈ.

પાટણ તા.૨૩
પાટણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરના સમર્થનમાં આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા ની મંગળવારે શહેરના સુભાષ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી.

આ સભાને સંબોધતા રાજ્યસભાના સાંસદે ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં ભાજપના જૂના ડબલ એન્જિન સરકાર ના બદલે ગુજરાતમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે હવે નવા એન્જિનની જરૂર છે. ભાજપને મત આપશો તો તેમના નેતાઓના દીકરા મોટા બનશે સામાન્ય વર્ગ ગરીબ જ રહેશે. ભાજપ વાળા કહે છે કે કેજરીવાલ રેવડી વેચે છે તો ભાજપના નેતાઓ અને મંત્રીઓને મફતમાં વીજળી પેટ્રોલ અને સુવિધાઓ મળે છે તે રેવડી નથી લોકોને મળે તો એમાં શું વાંધો છે. તો કોંગ્રેસ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં હારે છે હવે ભાજપ અને આપ વચ્ચે સીધો જંગ છે કોંગ્રેસને મત આપી મત બગાડતા નહિ તેવી ટકોર કરી હતી.

આ જાહેર સભા માં ઉપસ્થિત રહેલા પાટણ વિધાનસભા બેઠક નાં આપ ના ઉમેદવાર લાલેશ ઠક્કર દ્વારા રાજ્ય સભાના સાંસદ નું પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ની પ્રતિકૃતિ આપી સન્માનિત કરી ઉપસ્થિત જન મેદનીને આપ પાર્ટી નાં ઉમેદવાર ને વિજય બનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો અને સુજ્ઞ મતદારો ઉપસ્થિત રહ્યા હતા.