પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરાયુ..

100% મતદાનના ઉદેશ્ય સાથે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશને મળતો સુંદર પ્રતિસાદ..

પાટણ તા.૨૩
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તારીખો જાહેર થતા જ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી તેજ બની છે. પાટણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે અવસર કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે પાટણ જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જિલ્લામા ઓછું મતદાન ધરાવતા વિધાનસભા મતદાર વિભાગ દિઠ-11 મતદાન મથક મુજબ પાટણ જિલ્લાના કુલ-43 મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત કરવામાં આવી છે. તેમજ મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લાનાં પાટણ શહેર, રાધનપુર, સમી, વગેરે જેવા અન્ય શહેરી વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે વિવિધ સ્થળોએ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં પાટણવાસીઓએ ઉત્સાહભેર જોડાઈને અવશ્ય મતદાન કરવાનાં સંકલ્પ સાથે હસ્તાક્ષર કર્યા હતા. જિલ્લામાં અત્યાર સુધી કુલ 13 અલગ-અલગ સ્થળોએ સહી ઝુંબેશના કાર્યક્રમો થઈ ચુક્યા છે, જેમાં કુલ 1527 જેટલા મતદારોએ લાભ લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.