પાટણના મીરા પાકૅ સોસાયટીના રહીશોની પ્રાથમિક સુવિધાઓ નહીં સંતોષાતા ચૂંટણી બહિષ્કારનો નિર્ધાર કરાયો…

સોસાયટીના રહીશો દ્વારા પ્રવેશદ્વાર ઉપર રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રવેશબંધીના બેનરો લાગ્યા..

પાટણ તા.૨૪
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા નાં સતાધીશો પાટણના નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. ત્યારે પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આવેલ મીરા પાર્ક સોસાયટીના રહીશોએ સોસાયટીની પ્રાથમિક જરૂરિયાતો પાટણ નગરપાલિકા દ્વારા નહીં સંતોષાતા આગામી વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરતા હોવાના બેનરો સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે લગાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

મીરા પાર્ક સોસાયટીના રહીશોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સદંતર નિષ્ફળ રહી છે.

નગરપાલિકાના સત્તાધીશોને તેમજ આ વિસ્તારના કોર્પોરેટરોને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ વિસ્તારના રહીશોની સમસ્યાનો આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા સોસાયટીના તમામ રહીશોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષના ઉમેદવારને સોસાયટીમાં પ્રવેશ નહીં કરવા બેનરો લગાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો નિધૉર વ્યક્ત કર્યો હોવાનું જણાવ્યું હતું.
પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આવેલ મીરા પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારના લગાવેલા બેનરોને લઈને વિસ્તારનું રાજકારણ ગરમાયું હોવાનું જાણવા મળ્યું છે.