
ચારેય બેઠકો પર મજુર, સેલ્સમેન, કારીગર, વકીલ, વેપારી, બિલ્ડર, ખેડૂત, ઉદ્યોગપતિ મળી કુલ 43 ઉમેદવારો મેદાનમાં
વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કુલ 43 ઉમેદવારોના વેપાર અને વ્યવસાય અંગે દ્વારા તપાસ કરતા સિદ્ધપુરમાં મજુરથી લઈ કંપનીના માલિક, પાટણમાં પાર્લર વાળાંથી લઇ પ્રોફેસર, ચાણસ્મામાં સાધુથી લઇ સમાજ સેવક, રાધનપુરમાં ગૌ સેવકથી લઇ બિલ્ડર્સ સુધીના ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઊતર્યા હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં સૌથી વધુ ઉમેદવારો પાટણમાં 16 છે. જેમાં ચા નાસ્તાના પાર્લર ચલાવતા ઉમેદવારથી લઈ પ્રોફેસર સુધીના ઉમેદવારો છે.
ચાણસ્મા બેઠકમાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો ખેડૂત છે. તેમના હરિફમાં આપમાંથી વેપારી અને અપક્ષ સહિત અન્ય પાર્ટીઓના મળી કુલ 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રાધનપુર વિધાનસભામાં 11 ઉમેદવારોમાં કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ બિલ્ડર અને ડેવલોપર્સ છે તેમની સામે ભાજપના ઉમેદવાર ખેડૂત છે.
આપમાંથી લડી રહેલ ઉમેદવાર ખેડૂત છે. અન્ય પક્ષોમાં ગૌ ભક્ત, મજુરી કામ અને નિવૃત્ત કર્મચારી સહિત ફેરિયો કરીને આવક મેળવતા સામાન્ય વર્ગના લોકો પણ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. સિદ્ધપુર વિધાનસભામાં 9 ઉમેદવાર છે. જેમાં સૌથી ધનાઢ્ય ભાજપમાંથી ઉદ્યોગપતિ બલવંતસિંહ રાજપૂત, કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર બિલ્ડર અન્ય હરીફ નાના પક્ષોમાં 3 અપક્ષમાં સેલ્સમેન મજૂર, ખેડૂત, વેપારી વર્ગના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.