પાટણ જિલ્લા માં વધુમાં વધુ મતદાન થાય તે માટે વિદ્યાર્થીઓએ માનવસાંકળ બનાવી જાગૃતિનો સંદેશો આપ્યો

વોટ ફોર ગુજરાત ની માનવ સાંકળ બનાવી મતદારોને કર્યા જાગૃત..

પાટણ તા.૨૬
પાટણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટીની અધ્યક્ષતામાં ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટણના વિવિધ તાલુકામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવીને મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લામાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. હવે જિલ્લા ચૂંટણીતંત્રની સાથે-સાથે શાળાના બાળકો પણ અવસર કેમ્પેઈનમાં જોડાઈને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર,સાંતલપુર અને સિદ્ધપુરની શાળાના બાળકો દ્વારા માનવસાંકળ બનાવીને મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. ‘વોટ ફોર ગુજરાત’ ની માનવસાંકળ બનાવીને વિદ્યાર્થીઓએ આગામી તા.05.12.2022ના રોજ મતદારો અચુક મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેનો સંદેશો પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા, તેમજ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ભાઈ – બહેનને મતદાન કરવા માટે પ્રેરિત કરે તેવી સમજણ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જે લોકો 18 વર્ષથી વધુની ઉંમર ધરાવે છે અને મતદારયાદીમાં જેમનું નામ છે તેવા તમામ લોકો અચુક મતદાન કરે તે માટે હવે શાળાના વિદ્યાર્થીઓ પણ અવસર કેમ્પેઈન જન-જન સુધી પહોંચાડી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં અવસર કેમ્પેઈન અંતર્ગત વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વ્રારા સતત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ માધ્યમો થકી પ્રચાર-પ્રસાર કરીને છેવાડાના માનવી સુધી મતદાનનો સંદેશો પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અવસર કેમ્પેઈન અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય એ માટે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.