રાજકોટના સોની પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો: પુત્ર અને પત્નીનાં મૃત્યુ બાદ પતિનું પણ મોત

યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં સોની પરિવારને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા નામચીન ચીન્ટુ ઉર્ફે સંજયરાજસિંહ ઝાલાની ક્રાઇમ બ્રાન્ચે લક્ષ્મીવાડીમાંથી ઝડપી લીધો છે. સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં ગત તા.19મીએ વ્યાજના ધંધાર્થીઓની ધાક ધમકીથી કંટાળી પતિ, પત્ની અને પુત્રએ ઝેરી દવા પી કરેલા આપઘાતના પ્રયાસ બાદ યુવાન પુત્ર ધવલ ધોળકીયાના મોત બાદ તેની માતા માધુરીબેન અને પિતા કિર્તીભાઇ ધોળકીયાનું સારવાર દરમિયાન મોત નીપજતા સોની સમાજમાં અરેરાટી સાથે શોક છવાયો છે.

યુનિર્વસિટી પોલીસે ચાર શખ્સો સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી ધવલ મુંધવા અને લક્ષ્મીવાડીના ચિન્ટુ ઉર્ફે સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી અન્ય બે શખ્સોની શોધખોળ હાથધરી છે. ધવલ ધોળકીયાના મૃત્યુ પહેલાં પોલીસમાં લખાવેલી ફરિયાદમાં તેઓએ ધંધા માટે લક્ષ્મીવાડીના ચિન્ટુ ઉર્ફે સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પાસેથી 10 લાખ, સાલીની સાડીવાળા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂા.50 હજાર, ત્રિકોણબાગ નજીક બેસતા મહેબુબશા પાસેથી રૂા.8 લાખ અને કેવડાવાડીના ધવલ સમીર મુંધવા પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હોવાથી તેઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ઢેબર રોડ પર આવેલી ધોળકીયા ઝેરોક્ષ નામની દુકાન લખી આપવા દબાણ કરવામાં આવતું હતું. યુનિર્વસિટી પોલીસે ધવલ મુંધવાની ધરપકડ કર્યા બાદ આત્મહત્યાની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા લક્ષ્મીવાડીના ચિન્ટુ ઉર્ફે સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા, પી.એસ.આઇ. કે.બી.પટેલ, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ પઢારીયા, કુલદિપસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડ કરી છે.

સોની પરિવારની ત્રણ વ્યક્તિઓએ સજોડે ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે ધવલ મુંધવાના પિતાએ હોસ્પિટલ જઇને ફરિયાદ કેમ કરી અને પૈસા આપવા પડશે તેવી ઘમકી દીધી હોવાનું બહાર આવ્યું હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા એક સપ્તાહ દરમિયાન વ્યાંજકવાદીઓને કાયદાના પાઠ ભણાવવામાં નિષ્ફળ રહેતા સોની સમાજમાં રોષ ભભુકી રહ્યો છે.