મતદાન જાગૃતિ સાથે પાટણ શહેરમાં 21 દિવસ ઉજવાનારા અન્નપૂર્ણા મહોત્સવનો પ્રારંભ કરાશે…

શ્રી અન્નપૂર્ણા મહોત્સવ દરમિયાન માતાજીની પાલખી યાત્રા, નવદુર્ગા પૂજન સહિતના વિવિધ મનોરથનો આયોજન કરાયું..

પાટણ તા.૨૮
ધર્મારણ્ય ની નગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનોના આસ્થાના પ્રતીક સમાં શોભાયમાન બની રહ્યા છે ત્યારે પાટણ શહેરના સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી અન્નપૂર્ણા માતાજીનાં સન્મુખ માગસર સુદ છઠ્ઠને મંગળવાર ના શુભ દિનથી એકવીસ દિવસ સુધી ચાલનારા અન્નપૂર્ણા મહોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે.

આ અન્નપૂર્ણા મહોત્સવ દરમિયાન ભક્તિભર માહોલમાં ઉજવાનાર વિવિધ મનોરથો સહિત ધાર્મિક ઉત્સવોની માહિતી પ્રદાન કરવા શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા સોમવારના રોજ શ્રી વાઘેશ્વરી માતાજીની વાડી ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલ મંગળવારથી શરૂ થઈ રહેલા 21 દિવસીય અન્નપૂર્ણા મહોત્સવની માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર લોકશાહીના પર્વ સમા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ સાથે શ્રી અન્નપૂર્ણા મહોત્સવનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ કરવામાં આવશે. આ અન્નપૂર્ણા મહોત્સવ દરમિયાન માતાજીની પાલખીયાત્રા, ચુંદડી મનોરથ, નવદુર્ગા પૂજન ,સમૂહ આરતી સહિત નિત્ય જુદા જુદા શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ મનોરથો ઉજવવામાં આવશે.

શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 36 વર્ષથી આયોજિત કરાતા શ્રી અન્નપૂર્ણા મહોત્સવની ચાલુ સાલે પણ ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવા માટે શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ સહિત શ્રી પાટણ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના આગેવાનો, ટ્રસ્ટી મંડળ, યુવક મંડળો, મહિલા મંડળો સહિત પાટણની ધર્મપ્રેમી જનતા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું સમિતિ એ જણાવ્યું હતું.