ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: દરેકને ચોંકાવી દેશે ચૂંટણીનું પરિણામ, રાજ્યમાં કોંગ્રેસની સાયલન્ટ લહેર: જીગ્નેશ મેવાણી

કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી બીજી વખત જીતવા માટે શક્ય એટલું જોર લગાવી રહ્યા છે. આ વખતે તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જીગ્નેશ મેવાણી દરરોજ લગભગ 10 ગામોની મુલાકાત લઈ રહ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે જ છે. મતદાનને આડે ગણતરીના દિવસો જ બચ્યા છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં કોંગ્રેસની સાયલન્ટ લહેર હોવાની વાત કહી છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ભાજપ શાસિત આ રાજ્યમાં પરિવર્તન અત્યંત જરૂરી છે અને આ વિધાનસભાની ચૂંટણી ગુજરાત અને દેશને એક નવી દિશા આપશે.

જીગ્નેશ મેવાણીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે રાજ્યમાં 182 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસ 120 બેઠકો પર જીતશે. તેમણે કહ્યું કે આ ચૂંટણી નિરકુંશતા, બેરોજગારી અને મોંઘવારી વિરુદ્ધ થવા જઈ રહી છે.

કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી બીજી વખત જીતવા માટે શક્ય એટલું જોર લગાવી રહ્યા છે. આ વખતે તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જીગ્નેશ મેવાણી દરરોજ લગભગ 10 ગામોની મુલાકાત લઈ રહ્યા છે. 2017માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

ગુજરાતમાં ભાજપ અજેય હોવા અંગેના એક પ્રશ્નના જવાબમાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે આ વખતે રાજ્યમાં સાઇલન્ટ ક્રાંતિ થઈ રહી છે, અહીં કોંગ્રેસની સાયલન્ટ લહેર છે. તેમણે કહ્યું કે લોકોએ પોતાનું મન બનાવી લીધું છે અને હવે બહુ થઈ ગયું. તેમણે કહ્યું કે ગુજરાત ચૂંટણી દેશને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે તેમનું અનુમાન છે કે કોંગ્રેસ ચૂંટણીમાં 120 બેઠકો પર જીત નોંધાવશે અને ગુજરાતના નવનિર્માણની આધારશિલા રાખશે. 

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ કહ્યું કે પરિવર્તન અનિવાર્ય છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણીમાં હિંદુત્વ સહિતના ભાવનાત્મક મુદ્દા ઉઠાવી રહી છે, પરંતુ આ કામ નહીં કરે. તેમણે કહ્યું કે લોકોએ મોદીજીને (વડાપ્રધાન)ને બે વખત ખૂબ જ પ્રેમથી ચૂંટ્યા, પરંતુ આજ સુધી બેરોજગારી ઓછી નથી થઇ, મોંઘવારી અટકી નથી. તેમણે કહ્યું કે લોકો એવી સરકાર જોઈ રહ્યા છે જે પોતાની વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને નિશાન બનાવી રહી છે અને હવે લોકો સમજી ગયા છે કે તે એક નિરંકુશ સરકાર છે.