પાટણ માં રાજકીય પાર્ટીની રેલી જોવા નીકળેલા વૃદ્ધને રખડતા ઢોરે સીંગડે ભરાવતા ઈજાઓ પહોંચી..

રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા નિષ્ફળ નિવડેલા સત્તાધારી પક્ષના નગરસેવકોને પાર્ટીના પ્રચાર માટે ભારે પડશે..

પાટણ તા.30
પાટણ શહેરમાં એક તરફ ચૂંટણીની પ્રચાર પ્રસાર કામગીરી તેજ બની છે તો બીજી તરફ રખડતા ઢોરો એ પણ માજા મૂકી હોય તેમ આવતા જતા રાહદારીઓને અડફેટમાં લઈને ગંભીર ઇજાઓ પહોંચાડતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ગતરોજ રાજકીય પાર્ટીના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલી રેલી જોવા સોસાયટીની બહાર લીલી વાડી નજીક પહોંચેલા વૃદ્ધને માર્ગ પર રખડતા ઢોરે પાછળથી સિંગડે ભરાવતા વૃદ્ધ માર્ગ પર પટકાયા હતા જેઓને કમરના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા આજુબાજુના લોકોએ દોડી આવી વૃદ્ધને રખડતા ઢોરના મારમાંથી બચાવી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

રખડતા ઢોરની અડફેટે ચડેલા વૃદ્ધ પાટણ શહેરના હરિ ઓમ નગર સોસાયટીમાં રહેતા હોવાનું અને તેઓનું નામ સોમાભાઈ હીરાભાઈ પટેલ ઉંમર વર્ષ 70 હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને નિવારવા પાલિકા સત્તાધીશો સદંતર નિષ્ફળ રહ્યા હોય જેના કારણે અવારનવાર પાટણના નિર્દોષ લોકો આવા રખડતા ઢોરોનો શિકાર બની રહ્યા છે ત્યારે આ રખડતા ઢોરોની સમસ્યા આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષના નગરજનોને પાર્ટીના પ્રચાર અર્થે નડે તો નવાઈ નહીં…