પાટણ: જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીએ બેલેટ પેપર દ્વારા કર્યું મતદાન

પાટણવાસીઓને વધુને વધુ મતદાન કરવા માટે કરી અપીલ

‘’હું ચૂંટણી ફરજમાં હોઈ મેં મારો મત પોસ્ટલ બેલેટ દ્વારા આપીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બન્યો છું. તમે પણ અવશ્ય મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બનો. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે, એટલે મતદાન કરવું ભૂલતા નહી.’’ —–સુપ્રિત સીંઘ ગુલાટી

માહિતીબ્યુરો, પાટણ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પાટણમાં આગામી તા.05.12.2022ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. હાલમાં વિવિધ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે. મતદાનના દિવસે તેઓ ચૂંટણી ફરજમાં હોઈ મતદાન કરવા માટે જઈ શકતા નથી. તેથી સરકારી કર્મચારીઓ અને અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો મતપત્રથી મતદાન કરી શકે તે માટે મતપત્ર દ્વારા મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવે છે. જેના અનુસંધાને પાટણ જિલ્લા કલેક્ટર વ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીનો મત ગાંધીનગર વિધાનસભા મતવિસ્તાર આવતો હોવાથી તેઓએ મતપત્રથી મતદાન કર્યું હતુ. રાજ્યમાં વધુને વધુ મતદાન થાય અને લોકશાહીનો આ અવસર ખરા અર્થમાં અવસર બની રહે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણીતંત્રની સાથે સાથે અનેક ટીમો ચૂંટણીના કામમાં વ્યસ્ત છે. અધિકારી કે કર્મચારીનો મતવિસ્તાર કોઈ પણ હોય, જો તેઓ ફોર્મ-12 ભરીને સંલગ્ન મતવિસ્તારના ચૂંટણી અધિકારીને અરજી કરે તો તેઓ સુધી મતપત્ર પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ નાગરીક મતપત્ર દ્વારા મતદાન કરીને પોતાનો મતાધિકાર મેળવી શકે છે. આજરોજ પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીએ પણ મતપત્ર દ્વારા મતદાન કરીને પોતાનો કિમતી મત આપ્યો હતો. બેલેટ પેપરથી મતદાન કરીને સુપ્રિત સીંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, ‘’હું ચૂંટણી ફરજમાં હોઈ મેં મારો મત પોસ્ટલ બેલેટ દ્વારા આપીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બન્યો છું. તમે પણ અવશ્ય મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બનો.

મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે, એટલે મતદાન કરવું ભૂલતા નહી.