પાટણ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ની તૈયારીઓને તંત્ર દ્વારા અપાઈ રહ્યો છે આખરી ઓપ…

જિલ્લામાં કુલ 789 લોકેશનનાં 1231 મતદાન મથકો પર 5મી ડિસેમ્બરે થશે મતદાન..

28 સખી મતદાન મથકો પર 24 કલાક રહેશે મહિલા પોલીસ સ્ટાફ તૈનાત….

જિલ્લામાં કુલ 4 ઈકો ફ્રેન્ડલી(ગ્રીન બૂથ)મતદાન મથક,4 મોડલ મતદાન મથક, 4 દિવ્યાંગ મતદાન મથક અને 1 યંગ સ્ટાફ મતદાન મથક કાર્યરત..

5મી ડિસેમ્બરે યોજાનાર મતદાન પ્રક્રિયામાં 8,500 થી વધુનો સ્ટાફ મતદાન મથકો પર કાર્યરત કરાશે..

પાટણ તા.1
પાટણ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનના દિવસે કોઈ ચૂક ન રહી જાય તે માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લામાં કુલ 1231 મતદાન મથકો પર પોલીસ થી લઈને વિવિધ સ્ટાફ તૈનાત રહેશે અને ચૂંટણીની કામગીરીમાં સહભાગી બનશે. જિલ્લામાં કુલ 8500 થી વધુનો સ્ટાફ તા.05.12.2022ના રોજ મતદાનના દિવસે મતદાન મથકો પર ખડેપગે તૈનાત રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર કટીબદ્ધ બન્યું છે.

પાટણ જિલ્લાની 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ અને 19-સિદ્ધપુર બેઠકો પર તા.05.12.2022 ના રોજ મતદાન થવાનું છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયા સંપૂર્ણ નિર્ભિક અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 16-રાધનપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં કુલ 326 મતદાન મથકો કાર્યરત રહેશે જેમાં વેબકાસ્ટીંગ પોલીંગ સ્ટેશન 163 અને વેબકાસ્ટીંગ પોલીંગ સ્ટેશન લોકેશન કુલ 90 જેટલા કાર્યરત રહેશે. રાધનપુર વિધાનસભા બેઠકના તમામ મતદાન મથકો પર કુલ 1900 થી વધુનો સ્ટાફ કાર્યરત રહેશે, જે સમગ્ર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કાર્ય કરશે. 17-ચાણસ્મા વિધાનસભા બેઠક પર કુલ 318 મતદાન મથકો કાર્યરત રહેશે. જેમાંથી વેબકાસ્ટીંગ પોલીંગ સ્ટેશન 160 અને વેબકાસ્ટીંગ પોલીંગ સ્ટેશન લોકેશન કુલ 94 જેટલા કાર્યરત રહેશે. મતદાનના દિવસે ચાણસ્મા બેઠકના તમામ મતદાન મથકો પર કુલ 2500 જેટલો સ્ટાફ મતદાનની પ્રક્રિયા સાથે જોડાશે.

જિલ્લાની 18-પાટણ વિધાનસભા બેઠક પર કુલ 314 મતદાન મથકો કાર્યરત રહેશે. જેમાં વેબકાસ્ટીંગ પોલીંગ સ્ટેશન 171 અને વેબકાસ્ટીંગ પોલીંગ સ્ટેશન લોકેશન કુલ 96 જેટલા કાર્યરત રહેશે. તો આ તરફ 19-સિદ્ધપુર વિધાનસભા બેઠક પર કુલ 273 જેટલા પોલીંગ સ્ટેશન કાર્યરત રહેશે જેમાં વેબકાસ્ટીંગ પોલીંગ સ્ટેશન 152 અને વેબકાસ્ટીંગ પોલીંગ સ્ટેશન લોકેશન કુલ 93 જેટલા કાર્યરત રહેશે.

પાટણ જિલ્લામાં કુલ 1231 પોલીંગ સ્ટેશન કાર્યરત રહેશે. જેમાં દિવ્યાંગો તેમજ શારિરીક રીતે અશક્ત અને વયોવૃદ્ધ લોકો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 789 લોકેશન પર 1231 પોલીંગ સ્ટેશનમાં કુલ 4 જેટલા PWD પોલીંગ સ્ટેશન કાર્યરત રહેશે. તેમજ કુલ 28 સખી પોલીંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં માત્ર મહિલા પોલીસ કર્મીઓ 24 કલાક તૈનાત રહેશે. મહિલા પોલીસ કર્મીઓ માટે રહેવા,જમવા અને સુવાની વ્યવસ્થા પણ પોલીંગ સ્ટેશન પર જ કરવામાં આવશે. તદઉપરાંત ચાર વિધાનસભા બેઠકો પર 4 (ગ્રીન બુથ) ઈકો-ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન પણ કાર્યરત રહેશે. રાધનપુરના 163-રાધનપુર-1, ચાણસ્મામાં 62-જાસ્કા, પાટણમાં 309-ડાભડી અને સિદ્ધપુરમાં 168-લુખાસણમાં (ગ્રીન બુથ) ઈકો-ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન કાર્યરત રહેશે. જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર 4 મોડલ પોલીંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે જેમાં રાધનપુરમાં 187-રાધનપુર, ચાણસ્મામાં 120-ચાણસ્મા-12, પાટણમાં 193-માતરવાડી અને સિદ્ધપુરમાં 217-સિદ્ધપુર-20 સ્થળો પર આ પોલીંગ સ્ટેશન કાર્યરત રહેશે. જિલ્લામાં 58-રૂઘનાથપુરા અને 18-પાટણમાં 1 યંગ સ્ટાફ પોલીંગ સ્ટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જિલ્લા ચૂંટણીતંત્રની સાથે વિવિધ ટીમો પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં દિવસ-રાત કામગીરી કરી રહી છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે, કોઈ અવ્યવસ્થા ન સર્જાય, મતદારો માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો સતત કામગીરી કરી રહી છે. મતદાન મથક પર કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.1231 મતદાન મથકોમાં ખાતરી પૂર્વકની લઘુત્તમ સુવિધાઓ માટેની જોગવાઈઓ હાથ ધરવામાં આવી છે. પર્યાપ્ત દૃશ્યતા માટે તમામ મતદાન મથકો પર કેમ્પસ લાઈટ કરવામાં આવી છે. PWD મતદારો માટે યોગ્ય રેમ્પની સુવિધા હાથ ધરવામાં આવી છે. 150 પોલીંગ સ્ટેશન લોકેશન પર દિવ્યાંગો તેમજ શારીરીક રીતે અશક્ત અને 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારો માટે વ્હીલચેર રાખવામાં આવશે. 60 પોલીંગ સ્ટેશન લોકેશન પર મફત પરિવહન પ્રદાન કરવામાં આવશે. PWD, કોવિડ સંક્રમિત, તેમજ વરિષ્ઠ નાગરિક માટે મતદાન મથક પર ગ્રીન ચેનલની જોગવાઈ તમામ મતદાન મથકો પર બ્રેઈલ ડમી બેલેટ પેપર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. PWD મતદારો માટે મતદાન દિવસનો વિશેષ હેલ્પલાઇન નંબર 8849265005 જાહેર કરવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.