આવતીકાલે વડાપ્રધાન ની જાહેર સભાને લઈને યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારીઓ..

કચ્છ ભુજ રેન્જ આઈ જી સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળનુ બારીકાઈથી નિરીક્ષણ કરાયું..

પાટણ તા.૧
૧૫ મી ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીના રણસંગ્રામમાં ઉમેદવારો દ્વારા એડીચોટી નું જોર લગાવવામાં આવી રહયું છે. ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર બીજા તબકકામાં ૫ મી ડીસેમ્બરના રોજ યોજાનાર મતદાનને લઇ ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક સાધવા માટે રાષ્ટ્રીય, વિપક્ષ અને બિનરાજકીય પક્ષના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઇના સમર્થનમાં શુક્રવારના રોજ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાના આયોજનને લઇ પાટણ યુનિવર્સિટીના વિશાળ કેમ્પસ ખાતે કચ્છ-ભુજ રેન્જ આઇજી સહિત જીલ્લા પોલીસતંત્ર, જીલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણીના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

પાટણ જીલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી અતી મહત્વની ગણાતી પાટણ વિધાનસભા બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાને લઇ યુનિવર્સિટીના વિશાળ કેમ્પસ ખાતે પ્રધાનમંત્રીના સંબોધન મંચનું ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. તો આ સભામાં રાજકીય પક્ષના આગેવાનો-કાર્યકરો અને વીઆઇપી તેમજ પત્રકારો માટેની અલાયદી વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. પ્રધાનમંત્રીની જાહેર સભામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કચ્છભુજ રેન્જ આઇજીની સૂચના અનુસાર યુનિવર્સિટીના કેમ્પસમાં જીલ્લા પોલીસવડા વિજય પટેલની આગેવાની હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોર્ડ સહિતની ટીમના અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો સભામંચના મુખ્ય ડોમ પર ડોગસ્કવોર્ડ, મેટર ડીરેકટરી સહિતની સઘન સુરક્ષા સજજ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.