વિધાનસભા સામાન્ય ચૂંટણીને-2022: પાટણ જિલ્લા પોલીસ તંત્ર સજજ..

નિર્ભીક અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લામાં 5000થી વધુનો પોલીસ સ્ટાફ તૈનાત કરાયો..

BSF,ITBP,CRPFની વિવિધ ટીમો મતદાન સમયે ખડેપગે ફરજ બજાવશે…

5મી ડિસેમ્બરે પાટણ જિલ્લામાં થશે બીજા તબ્બકામાં મતદાન…

પાટણ તા.૩
આગામી તા.05.12.2022 ના રોજ પાટણ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે,ત્યારે મતદાનને લઈને જિલ્લાની વિવિધ ટીમો સજ્જ છે. નિર્ભીક,ન્યાયી,અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લાના ચૂંટણીતંત્રની સાથે-સાથે વિવિધ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. મતદાનના દિવસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસતંત્ર ખડેપગે તૈનાત છે. મતદાનના દિવસે જિલ્લામાં 5000થી વધુનો પોલીસ સ્ટાફ પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર તૈનાત રહેશે.

રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન સુપન્ન થઈ ચૂક્યું છે. બીજા તબક્કાનું મતદાન પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાયે તે માટે પાટણ જિલ્લા ચૂંટણીતંત્રની સાથે જિલ્લા પોલીસતંત્ર પણ સતત પ્રયત્નો કરી રહ્યું છે. મતદાનના દિવસે કુલ 2000 જેટલા પોલીસ કર્મીઓ, 1500 જેટલા હોમગાર્ડ જવાનો, તેમજ BSF, ITBP, CRPFના જવાનોની વિવિધ ટુકડીઓ પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર ફરજ પર રહેશે. મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે અને લોકો નિર્ભીક વાતાવરણમાં લોકશાહીના અવસરમાં સહભાગી બની શકે તે માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા સુરક્ષા માટે ખાસ ટીમો પાટણ જિલ્લામાં મોકલવામાં આવી છે. લોકશાહીનો આ મહાપર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દરેક મતદાન મથકો પર પૂરતા બંદોબસ્તનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. દરેક પોલીંગ બૂથ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સતત સુરક્ષાકર્મીઓ ખડેપગે ફરજ બજાવશે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી જ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે16-રાધનપુર,17-ચાણસ્મા,18-પાટણ અને 19- સિદ્ધપુર વિધાનસભા બેઠકો પર ફૂટમાર્ચ કરવામાં આવી હતી. આ બેઠકો પર ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોમાં ચૂંટણી અંગે જાગૃતતા ફેલાવવા માટે તેમજ તેઓ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મતદાન કરે તે માટે સતત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની ભાળ પોલીસતંત્ર દ્વારા મેળવવામાં આવી છે. જિલ્લામાં ડ્રગ્સ, દારૂ, તેમજ રોકડ નાણાંની હેરફેર બાબતે પોલીસની ટીમો સતત કાર્યરત રહીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે સ્ટેન્ડ ટુ રહી છે, તેમજ જિલ્લામાં ચૂંટણીને લઈને હંગામી ધોરણે આંતરજિલ્લા ચેકપોસ્ટો પણ કાર્યરત કરવામાં આવી છે. આ રીતે ચૂંટણી પ્રક્રિયા શાંતિથી નિર્ભીક વાતાવરણ વચ્ચે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર કટીબદ્ધ છે.

જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યુ હતુ કે, પાટણ જિલ્લામાં નિર્ભીક,ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી જ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાની તમામ ગતિવીધીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં આગામી તા.05.12.2022ના રોજ મતદાન થવાનું છે. મતદાર મુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસતંત્ર કટીબદ્ધ છે. મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણ વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર 24 કલાક સ્ટેન્ડ ટુ રહેશે. ચૂંટણીપંચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારૂ રીતે જળવાય તે માટે BSF,ITBP,CRPFની ટીમો મોકલવામાં આવી છે. આ ટીમો સતત લોકો વચ્ચે રહી સુરક્ષાનો તાગ મેળવી રહી છે. દરેક પોલીંગ બૂથ પર સુરક્ષા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે માટે જિલ્લા પોલીસ તંત્ર કટીબદ્ધ છીએ તેમ જણાવ્યું હતું.