પાટણ જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે EVM રવાના કરાયા..

જિલ્લામાં 1231 મતદાન મથકો પર કુલ 11,72,428 મતદારો પોતાનું મતદાન કરશે.

લોકશાહીના અવસરમાં સહભાગી બનવા અચુક મતદાન કરીએઃજિલ્લા ચૂંટણી અધિકારી..

ચૂંટણી ફરજમાં રોકાયેલો સ્ટાફ મતદાન મથકો પર ફરજ બજાવવા રવાના થયો…

પાટણ તા.4
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. પાટણ જિલ્લા
માં બીજા તબક્કામાં મતદાનને લઈને ચારેય વિધાનસભામાં ઈવીએમ-વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18- પાટણ અને 19-સિદ્ધપુર ખાતે રાખવામાં આવેલ ઈવીએમ મશીનની ફાળવણી રવીવાર ના રોજ કરવામાં આવી હતી. આ ઈવીએમ મશનની ફાળવણી દરમિયાન જિલ્લા કલેક્ટર વ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીએ રીસીવીંગ અને ડિસ્પેચીંગ સ્થળની મુલાકાત લઈ મતદાન સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

આવતીકાલે સવારે 8.00 વાગ્યાથી નાગરિકો મતદાન કરી શકે તે માટે ઈવીએમ-વીવીપેટ તેમજ મતદાનને લગતી તમામ સામગ્રીઓ લઈને ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મચારીઓ બસો મારફતે રવાના થયા હતા. 16-રાધનપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો રાધનપુરમાં 326 પોલીંગ સ્ટેશન પર કુલ 1900થી વધુનો સ્ટાફ મતદાન મથક પર ફરજ બજાવશે જે માટે આજે અને રાધનપુરની મોડલ સ્કૂલ ખાતે વહેલી સવારથી જ મતદાન મથકો સાથે ચૂંટણી ફરજમાં જોડાયેલા કર્મચારીઓ પહોચ્યા હતા. જ્યા ચૂંટણી દરમિયાન તેમને બજાવવાની ફરજ મામલે તેઓને અવગત કરાયા હતા ત્યારબાદ તેઓએ મતદાન મથક પર ઉપયોગી સામગ્રી લઈને મતદાન મથકોએ પ્રસ્થાન કર્યું હતુ.

17-ચાણસ્મા વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં કુલ 318 પોલીંગ સ્ટેશન પર 2400-2500 જેટલો પોલીંગ સ્ટાફ કાર્યરત રહેશે. આજે ચાણસ્માની કેવી પટેલ આઈટીઆઈ, કોલેજ કેમ્પસ રૂપપુર ખાતે મતદાનના દિવસે મતદાન મથકો પર ઉપસ્થિત રહીને ફરજ બજાવનાર સ્ટાફ પહોંચ્યો હતો. આ કર્મચારીઓને તેઓને મતદાનના દિવસે કરવાની થતી કામગીરીથી અવગત કરાયા હતા. ત્યારબાદ તમામ કર્મચારીઓ જે બૂથ પર તેઓને ફરજ સોંપવામાં આવી છે ત્યાં જવા માટે રવાના થયા હતા.

આ તરફ 18-પાટણ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં કુલ 314 પોલીંગ સ્ટેશન પર 2400 થી વધુનો પોલીંગ સ્ટાફ ફરજ પર રહેશે. આજરોજ પાટણની કતપુર મુકામે આવેલ સરકારી એન્જીનિયરીંગ કોલેજ ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. મતદાન મથક પર જે કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે તે તમામ કર્મચારીઓ આજરોજ અહીં ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારીઓને મતદાન મથક પર શું કામગીરી કરવાની છે તેની જાણકારી આજરોજ આપવામાં આવી હતી. ત્યારબાદ મતદાન મથકનો સ્ટાફ ઈવીએમ મશીન લઈને સંલગ્ન પોલીંગબૂથ પર જવા માટે રવાના થયો હતો.

19-સિદ્ધપુર વિધાનસભા બેઠકના 273 પોલીંગ સ્ટેશન પર કુલ 1700 થી વધુનો સ્ટાફ ફરજ પર હાજર રહીને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે માટે ફરજ બજાવશે. સિદ્ધપુરમાં આજે સરકારી હોમિયોપેથી કોલેજ,દેથળી ખાતે ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. મતદાન મથકો પર ફરજ બજાવતા કર્મચારીઓને આજે તેઓને મતદાન મથક પર શુ કામગીરી કરવાની છે તેની સમજણ આપીને ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ કર્મચારીઓ ઈવીએમ મશીન લઈને જે-તે બૂથ પર જવા માટે રવાના થયા હતા.

પાટણની ચાર વિધાનસભા બેઠકો પર ઈવીએમ તેમજ મતદાન મથકો પર ઉપયોગી સામગ્રી પોલીંગ સ્ટાફ લઈને પોલીંગ બૂથ પર જવા રવાના થઈ ગયો છે. જેમાં આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ પાટણ જિલ્લાની ઈવીએમ અને ડીસ્પેચીંગની કામગીરી દરમિયાન તમામ બાબતોની જાતચકાસણી કરી હતી. સંબધિત ચૂંટણી અધિકારીઓ પાસેથી કયા પ્રકારની તૈયારીઓ છે તેની જાણકારી મેળવી હતી. તેમજ મતદાન મથકો પર જતા કર્મચારીઓ સાથે પણ સીધો સંવાદ કરીને નિષ્પક્ષ ન્યાયીક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે સુચનો કર્યા હતા. મતદાનની કામગીરી માટે જઈ રહેલા કર્મચારીઓને શુભેચ્છા પણ પાઠવી હતી.