પાટણમાં દિવ્યાંગોમાં મતદાનને લઈ ઉત્સાહ…

અમે ભલે શારીરિક રીતે અશક્ત છીએ પરંતુ અમારા એક મત થકી લોકશાહીને મજબૂત બનાવીશું..

પાટણ તા.5
‘’અમે ભલે શારીરીક રીતે અશક્ત છીએ પરંતુ અમારા એક મત થકી અમે લોકશાહીને મજબૂત બનાવીશું.’’ આ લાગણી છે પાટણ જિલ્લાના દિવ્યાંગોની. જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર સવારે 8.00 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. લોકો શિયાળાની ઠંડીમાં મતદાન કરવા માટે લાંબી કતારોમાં ઉભા હોય તેવા દ્રશ્યો પાટણ જિલ્લામાં જોવા મળી રહ્યા છે. જિલ્લાની ચારેય વિધાનસભા પર દિવ્યાંગો મત આપવા માટે આગળ આવી રહ્યા છે, અને લોકોને પણ મત આપવા માટે અપીલ કરી રહ્યા છે.

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર ચાર PWD પોલીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અહીં દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતની વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જિલ્લામા કુલ 10120 દિવ્યાંગો મતદારો છે. વિધાનસભા દીઠ દિવ્યાંગ મતદારોની સંખ્યા પર નજર કરીએ તો 16-રાધનપુરમાં 2237, 17-ચાણસ્મામાં 2976, 18-પાટણમાં 2465 અને 19-સિદ્ધપુરમાં 2442 દિવ્યાંગ મતદારો છે. આ દિવ્યાંગ મતદારો આજે સવારથી જ મતદાન મથક પર જઈને મતદાન કરી રહ્યા છે. જ્યારે લોકોને પણ વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના અવસરમાં મતદાન કરીને સહભાગી બનવા માટે અપીલ કરી રહ્યા છે.