પાટણ જિલ્લાના 4 મોડલ મતદાન મથકો પર મતદાન કરવા લોકો ઉમટ્યા..

લોકોને મતદાન કરવા માટે અપીલ કરતા 85 વર્ષીય દાદીમા..

પાટણ તા.5
આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. સવારે 8.00 વાગ્યાથી જ મતદાનની શરૂઆત થતા જ લોકોની લાઈનો જોવા મળી રહી છે. કેટલાક લોકો તો મતદાન કરવાના સમય પહેલા જ મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. પાટણની ચાર વિધાનસભા બેઠક પર રાધનપુરમાં 187-રાધનપુર, ચાણસ્મામાં 120-ચાણસ્મા-12, પાટણમાં 193-માતરવાડી અને સિદ્ધપુરમાં 217-સિદ્ધપુર-20 મોડલ મતદાનમથકો પર લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. પાટણના માતરવાડી વિસ્તારની નિમા વિદ્યાલયમાં વયોવૃદ્ધ,દિવ્યાંગ,યુવાનો મતદાન કરવા માટે આવી રહ્યા છે. અહીં આવેલ મોડલ પોલીંગ સ્ટેશનને લગ્ન પ્રસંગની જેમ શણગારમાં આવ્યું છે.

અહીં મતદાન કરવા માટે આવેલ શારીરીક રીતે અશ્કત અને વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગો માટે મતદાન કરવા જવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓને વ્હીલચેર દ્વારા મતદાન કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. વહેલી સવારે 85 વર્ષના દાદીમાં મોડલ પોલીંગ સ્ટેશન પર મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. યુવાનોને શરમાવે તેવા જુસ્સા સાથે તેઓએ મતદાન કરીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. 85 વર્ષીય દાદીમાં મત આપતા કહી રહ્યા છે કે, આજદિન સુધી હું મત આપવાનું ચૂકી નથી, અને આજીવન હું મારી આ નૈતિક ફરજ બજાવતી રહીશ. આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આજનો દિવસ મહત્વનો છે તેથી આપ મત આપવાનું ભૂલતા નહી.