મતગણતરી માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ…

સરકારી એન્જીનિયરીંગ કોલેજ કતપુર ખાતે થશે ચાર વિધાનસભા બેઠકની મતગણતરી…

પાટણ તા.૭
પાટણ જિલ્લામાં તા.05.12.2022 ના રોજ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ હવે તા.08.12.2022ના રોજ મતગણતરી થશે. ચાર વિધાનસભાની મતગણતરી સરકારી એન્જીનિયરીંગ કોલેજ કતપુર ખાતે કરવામાં આવશે. મતગણતરી કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે માટે પુરતી તૈયારીઓ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ અને 19-સિદ્ધપુર ખાતે મતગણતરી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ચાર વિધાનસભાની મતગણતરી અલગ-અલગ રાઉન્ડમાં કરવામાં આવશે.

16-રાધનપુર વિધાનસભા બેઠક

અહીં કુલ 302759 મતદારો નોંધાયા હતા. મતદાનના દિવસે કુલ 58.93% જેટલું મતદાન નોંધાયું છે. જેમાં 56.21 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે અને 61.48 ટકા પુરૂષોનું મતદાન નોંધાયું છે. આવતીકાલે રાધનપુર વિધાનસભા બેઠકની મતગણતરી થવાની છે. જે માટે પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાધનપુર વિધાનસભા બેઠકની મતગણતરી કુલ 24 રાઉન્ડમાં કરવામાં આવશે. જેમાં કુલ 15 જેટલા ટેબલ પર રાધનપુર વિધાનસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે.

17-ચાણસ્મા વિધાનસભા બેઠક

અહીં કુલ 292322 મતદારો નોંધાયા હતા. જેમાં મતદાનના દિવસે કુલ 62.02% જેટલું મતદાન નોંધાયું છે. 59.60% સ્ત્રી મતદારો અને 64.29% પુરૂષ મતદારોએ મતદાન કર્યું છે. ચાણસ્મા વિધાનસભા બેઠકની મતગણતરી માટે પણ પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જે માટે કુલ 23 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. અને કુલ 15 જેટલા ટેબલ પર મતગણતરી કરવામાં આવશે.

18-પાટણ વિધાનસભા બેઠક

આવતીકાલે મતગણતરી થશે જે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ બેઠક પર મતદારોની સંખ્યા પર નજર કરીએ તો કુલ 306170 જેટલા મતદારો પાટણ વિધાનસભા બેઠક પર નોંધાયા હતા જેમાંથી મતદાનના દિવસે કુલ 66.08% જેટલું મતદાન નોંધાયું છે. 63.55% સ્ત્રી મતદારોએ મતદાન કર્યું તો 68.46% પુરૂષ મતદારોએ મતદાન કર્યું છે. આ બેઠકની મતગણતરી માટે મતગણતરી કેન્દ્ર પર કુલ 23 રાઉન્ડમાં કરવામાં આવશે જે માટે કુલ 19 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે.

19-સિદ્ધપુર વિધાનસભા બેઠક

અહીં 271177 જેટલા મતદારો નોંધાયા હતા. મતદાનના દિવસે કુલ 63.10% જેટલું મતદાન થયું છે. 62.10% સ્ત્રી મતદારોએ મતદાન કર્યું તો 64.03% પુરૂષ મતદારોએ મતદાન કર્યું છે. મતગણતરી કેન્દ્ર પરની વ્યવસ્થાની વાત કરીએ તો અહીં કુલ 20 રાઉન્ડમાં સિદ્ધપુર વિધાનસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે અને કુલ 15 ટેબલ પર પાટણ વિધાનસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે.

આવતીકાલે મતગણતરી થવા જઈ રહી છે, ત્યારે તમામ ઈવીએમ સરકારી એન્જીનિયરીંગ કોલેજ ખાતે સીલબંધ કરીને સીસીટીવી કેમેરા અને પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રાખી દેવામાં આવ્યા છે. ઈવીએમ મશીનનું 24 કલાક સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મતગણતરીના દિવસે મોટી સંખ્યામાં રાજકીય પક્ષો અને તેઓના ટેકેદારો આવશે તેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. જિલ્લામા કુલ 400 જેટલા પોલીસ જવાનો અને 2 એસઆરપીની ટુકડીઓ તેમજ 2 સીએપીએફની ટુકડીઓ સ્થળ પર હાજર રહેશે. જિલ્લામાં 16-રાધનપુર વિધાનસભા બેઠકની મતગણતરી માટે કુલ 250 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે તેમજ 17-ચાણસ્મા વિધાનસભા બેઠકની મતગણતરી માટે 250 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. આ તરફ 18-પાટણ વિધાનસભા બેઠકની મતગણતરી માટે 270 કર્મચારીઓ અને 19-સિદ્ધપુર વિધાનસભા બેઠકની મતગણતરી માટે 230 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. આમ મતગણતરીના દિવસે જિલ્લામાં કુલ 1000 થી વધુ સુરક્ષાકર્મીઓ મતગણતરી કેન્દ્ર પર ફરજ બજાવશે.

જિલ્લાની ચાર વિધાનસભા બેઠક16-રાધનપુર,17-ચાણસ્મા,18-પાટણ અને 19-સિદ્ધપુર બેઠકો માટે આવતીકાલે સરકારી એન્જીનિયરીંગ કોલેજ કતપુર ખાતે મતગણતરી થવા જઈ રહી છે, ત્યારે મતગણતરી કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત, વીજળી વ્યવસ્થા, ઇમર્જન્સી વ્યવસ્થા, પીવાનું પાણી, શૌચાલય, અગ્નિશમન વ્યવસ્થા, વાહન વ્યવહાર, મિડીયા સેન્ટર વગેરેની પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તદઉપરાંત સ્થળ પર ઉપસ્થિત ઉમેદવારો અને તેમના ટેકેદારો માટે પ્રવેશ માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રિતસીંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.