અધાર ગામે આખલાએ ભોગ લીધેલ મૃતકોને તેમજ ઈજાગ્રસ્તો ને સરકારી સહાય ચુકવવા રજૂઆત…

રખડતાં ઢોરો ની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સહીયોગ નહીં આપે તો ગ્રામજનો નંદી ધામ ઉભું કરશે : પૂર્વ સરપંચ..

પાટણ તા.૧૩
અઘાર ગામમાં રખડતા ઢોરોએ બે મહિલાના જીવ લીધા બાદ સમસ્ત ગ્રામજનો એ ગ્રામ પંચાયત ને સાથે રાખી એક સંપ થઈ રખડતા ઢોરો ની સમસ્યાનો ઉકેલ લાવવા કટીબદ્ધ બની મૃતકો ને સરકારી સહાય આપવા અને ગામમાંથી રખડતા ઢોરો ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે મંગળવારના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે કરેલ લેખિત રજૂઆત માં જણાવ્યું હતું કે ગામમાં રખડતા ઢોરો પૈકી ફક્ત ગાયો લેવા ગૌશાળાઓ તૈયાર છે. પરંતુ આખલાઓ લેવા તૈયાર ના હોય ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી તંત્ર ઢોર મૂકવાની વ્યવસ્થામાં મદદરૂપ થાય, ગ્રામજનો રખડતાં ઢોરની સમસ્યા દૂર કરવા જાગૃત બની થનાર ખર્ચે અને ગૌશાળામાં ઢોર મૂકવા જશે તો નિભાવણી ખર્ચે પેટે દાન આપવા લોક ફાળો પણ ભેગો કરવા લાગ્યું છે.જેમાં લોકો સ્વેચ્છાએ ફાળો આપવાનું શરૂ કર્યું છે.પરતુ બીજી તરફ ગ્રામ પંચાયતના વહીવટ દ્વારા આસપાસની ગૌશાળાઓમાં ઢોર પકડીને મૂકી શકાય માટે સંપર્ક શરૂ કર્યા છે.જેમાં ગૌશાળાઓ દ્વારા રખડતા ઢોરો પૈકી ગાયો સ્વીકારવા તૈયારી બતાવી છે પરંતુ ગૌશાળામાં આખલાઓ તોફાન મચાવતા હોય સ્વીકારવાની ના પાડી રહ્યા હોય ગ્રામ પંચાયત અને ગ્રામજનો ઢોર પકડ્યા બાદ ક્યાં મુકશે તેમજ ઢોર પકડવા માટે ઢોર ડબ્બો પણ પંચાયતમાં ના હોય ગ્રામજનો મુઝવણમાં મુકાયા છે. ગામ કોઈપણ સંજોગોમાં સમસ્યા દુર કરવા મક્કમ હોય રખડતા ઢોરો પકડવા માટે ઢોર ડબ્બો મુકવા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી આપે તે માટે રજૂઆત કરવા મા આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

અધાર ગામના લોકો કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા આવ્યા ત્યારે ગામના પૂર્વ સરપંચ રૂપસંગજી સોલંકીએ જણાવ્યું હતું કે જો તંત્ર રખડતા ઢોરો ની સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ગ્રામજનો દ્વારા ગામની સીમ વિસ્તારમાં નંદી ધામ બનાવવાની પણ ગ્રામજનોની વિચારણા હોવાનું જણાવ્યું હતું.