પાટણ જિલ્લાના સમીના વરાણા ખાતે થયેલ ચોરીના સમાચાર મળતા ધારાસભ્ય ધટના સ્થળે દોડી ગયા…

મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવી જુદી જુદી છ જગ્યાઓ પર ત્રાટકીને લાખોની ચોરી કરી પલાયન થયાં….

પાટણ તા.૧૩
પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે સોમવારની મોડી રાત્રે તસ્કરો ની ટોળકીએ એકી સાથે જુદી જુદી છ જગ્યાઓ પર ત્રાટકી લાખો રૂપિયા ની તસ્કરી કરી પલાયન થયાં હોવાની ઘટના પ્રકાશમાં આવતા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર એ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી પોલીસ તંત્ર ને અવગત કરી તસ્કરો ને ઝડપી લેવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ સમીના વરાણા ખાતે સોમવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો ની ટોળકીએ ગામમાં છ જુદી જુદી જગ્યાએ તાળા તોડી ચોરીનાં બનાવને અંજામ આપી ફરાર થયા હોવાની જાણ ગ્રામજનો ને થતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે ચોરીની ઘટના ના સમાચાર મળતા વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ વહેલી સવારે વરાણા ખાતે દોડી આવી તસ્કરો દ્વારા નિશાન બનાવેલ મકાનો તેમજ ડેરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. ગામમાં આવેલી ડેરી માંથી તસ્કરો દ્વારા રોકડ રૂપિયા સાડા ચાર લાખ તેમજ મકાન માંથી સોના ચાંદીના ઘરેણા સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનું ગામના સરપંચ દ્વારા ધારાસભ્ય સમક્ષ જણાવતાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પોલીસ તંત્ર ને સુચિત કરી તસ્કરો ને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવા જણાવ્યું હતું.

તસ્કરો એ ત્રણ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોય જે ત્રણેય મકાન માલિકો બહારગામ રહેતા હોઈ તેઓ આવ્યા બાદ ઘરમાંથી શું શું ચોરી થઈ છે તે જાણી શકાશે તેવું ગામના સરપંચ પ્રભુભાઈ દ્વારા જણાવવામાં આવ્યુ હતું. વરાણામાં એક સાથે છ જગ્યાએ ચોરીના સમાચાર મળતા વહેલી સવારે વરાણા ખાતે દોડી આવેલા ધારાસભ્ય દ્વારા ચોરીની ઘટનાની યોગ્ય તપાસ કરી તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવા પોલીસને સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.