પાટણ યુનિવર્સિટી કોર્ટની ચૂંટણીની મતદાર યાદીમાં ગેરરીતિ મામલે છાત્ર સંગઠન દ્વારા ચુંટણી મોકુફ રાખવા માંગ કરાઈ..

એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે સુત્રોચ્ચાર કરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું..

કુલપતિ કે રજિસ્ટ્રાર યુનિવર્સિટી ખાતે હાજર ન રહેતા વિધાર્થી સંગઠન માં રોષ ભભુકયો..

પાટણ તા.૧૫
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તા.૧૬ મી ડીસેમ્બર નાં રોજ યોજાનાર સેનેટની ચૂંટણી અંતર્ગત જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તે મતદાર યાદીમાં ગંભીર પ્રકારની ગેરીતીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે છાત્ર સંગઠન દ્વારા ગુરૂવારના રોજ યુનિવર્સિટી નાં વહીવટી ભવન ખાતે સુત્રોચ્ચાર કરી સેનેટ ની ચુંટણી રદ્ કરવા અને મતદાર યાદી માં ગંભીર પ્રકારની ગેરરીતિઓ આચરનારાઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

શુક્રવારના રોજ યુનિવર્સિટી ની સેનેટ ચુંટણી યોજાનાર છે તે પૂર્વે જ છાત્ર સંગઠન નાં ધ્યાનમાં મતદાર યાદીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ થઈ હોવાનું સામે આવતા જયેશ એમ. ચૌધરી નામના આર્ટ્સ ફેકલ્ટી માંથી સેનેટની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર દ્વારા પાટણ પોલીસ મથકમાં આ મામલે અરજી આપી જવાબદારો સામે ફોજદારી પગલાં ભરવા રજુઆત કરવામાં આવતા યુનિવર્સિટી વર્તુળમાં સેનેટની ચૂંટણીને લઈને મતદારોની નોંધણી બાબતે અવનવી ચર્ચાઓ જાગી છે.

તો આ બાબતે સેનેટની ચુંટણી લડી રહેલાં એનએસયુઆઈ છાત્ર સંગઠન નાં કેટલાક ઉમેદવારો એ યુનિવર્સિટીના કુલપતિ જે.જે.વોરા દ્વારા યુનિવર્સિટી કાયદાની જોગવાઈ સ્ટેચ્યુટ 1 થી 28 તથા યુનિવર્સિટી એક્ટની જોગવાઈઓનો ઈરાદાપૂર્વક ભંગ કરી સરકારી કર્મચારી તરીકેની ફરજો યોગ્ય રીતે નિભાવેલ નથી એવો આક્ષેપ કરી આ આઈપીસી મુજબ ગુનો બનતો હોય ગુનો દાખલ કરવા માટે રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.

વધુ માં તેઓએ જણાવ્યું હતું કે, તેમની ન્યાયસંગત રજૂઆતોને યુનિવર્સિટી દ્વારા ધ્યાને લેવામાં આવી નથી. કુલપતિ ડો. વોરાએ કુલપતિ તરીકે જે સત્તાઓ મળેલી છે તે સત્તાના આધારે મતદાર યાદીઓ આખરી કરી છે. આ મતદાર યાદીઓમાં વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોની કથિત ચોરી કરીને બારોબાર મતદાર તરીકે નોંધણી કરાવેલ હોવાનો આક્ષેપ કરી આ અંગેની રજૂઆતો પણ કુલપતિએ ધ્યાને લીધી ન હોય અને અધિકારી તરીકે આ બાબતે યોગ્ય નિકાલ પણ કરેલ ન હોવાનું તેમણે પોલીસને આપેલ અરજીમાં ઉલ્લેખ કર્યો હોવાનુ જણાવી મતદાર યાદીમાં કેટલાક મતદારોની ઉંમર પણ ખોટી રીતે દર્શાવવામાં આવી છે અને તેમ છતાં પણ તેમને મતદાર બનાવવામાં આવ્યા છે. મતદાર નોંધણી ફોર્મની નકલ જોતા માલુમ પડે છે કે, આ ફોર્મની વિગતો માટે આર્ટ્સ કોલેજ પાટણના એમ.એ.એડિમશનના ફોર્મમાંથી વિગતો ચોરી કરવામાં આવી છે. સાચી મતદાર યાદી જાહેર થાય તે જોવાની ફરજ કુલપતિની છે. કુલપતિ ડો. વોરાએ ચૂંટણી દરમિયાન જે રજૂઆતો કે ફરિયાદો આવી છે કે વાંધાઓ આવ્યા છે તેનો યુનિવર્સિટી કાયદાની જોગવાઈ મુજબ નિકાલ કરેલ નથી એવા પણ અરજીમાં આક્ષેપ કરી સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા દૂષિત કરીને ખોટી મતદાર યાદીઓ બનાવડાવી યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાને તથા વિદ્યાર્થીઓના ભવિષ્યને ખૂબ મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવી વિધાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટી નાં વહીવટી ભવન ખાતે સુત્રોચ્ચાર કરી સેનેટની ચુંટણી રદ્ કરવા અને મતદાર યાદીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ આચરનારાઓ સામે તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તો વિધાર્થી સંગઠનની રજૂઆત સમયે યુનિવર્સિટી ખાતે કુલપતિ કે રજિસ્ટ્રાર હાજર ન રહેતા વિધાર્થી સંગઠન દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ બાબતે પાટણ એનએસયુઆઈ ના પ્રમુખ દાદુસિહ સોલંકી અને હિતેષ દેસાઈ એ જણાવ્યું હતું કે યુનિવર્સિટી નાં કુલપિત ડો.જે.જે.વોરા તથા આ ગુનાહિત કામમાં સાથ આપનાર તમામ કર્મચારી / અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી વિદ્યાર્થી યુનિયનના નેતાએ જણાવ્યું હતું કે કેટલાય વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યું જ નથી છતાં તેમના નામે ખોટી રીતે તેમની સહીઓ સ્કેન કરીને ફોર્મ ભરી દેવાયા છે અને આવા વિદ્યાર્થીઓને પોસ્ટમાં તેમના ઘરે ચૂંટણીમાં મત આપવા માટેના આઈકાર્ડ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના નામે ફોર્મ ભરાયા છે. તો 11 મહિનાના એક બાળકનું પણ કોલેજ દ્વારા ઓળખકાર્ડ બનાવાયું હોવાનું જણાવી આવી રીતે અનેક નામો મતદાર યાદીમાં ખોટી રીતે સામેલ કરાયા હોઈ સેનેટની ચૂંટણી સ્થગિત રાખવા માંગ કરાઇ હતી.

આ બાબતે યુનિવર્સિટી નાં કુલપતિ જે.જે.વોરા ને પુછતા તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા કોર્ટની ચૂંટણી અંગે હાઇકોર્ટમાં શિડયુલ રજૂ કરેલ છે. એટલે તે પ્રમાણે ચાલવા યુનિવર્સિટી બંધાયેલ છે. કોર્ટના એફિડેવીટ વિરુદ્ધ યુનિવર્સિટી જઈ શકે નહીં કે વિધાનસભાએ બનાવેલ યુનિવર્સિટી એક્ટના હુકમનો અનાદર પણ યુનિવર્સિટી કરી શકે નહીં. જેથી હાઇકોર્ટ આદેશ કરે તો જ ચૂંટણી રોકી શકાય તેવું તેઓએ જણાવ્યું હતુ.