વિધાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં નિઃશુલ્ક પ્રવેશ નો અમલ કરવવા મુખ્યમંત્રી ને લેખિત રજૂઆત કરાઈ..

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરવામાં આવી..

પાટણ તા.૧૫
સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા કોલોનીના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન મુલાકાત લેતા ગુજરાત તથા અન્ય પ્રદેશના વિદ્યાર્થીઓને સરદાર જયંતિ તથા સરદાર નિર્વાણ દિવસના ૧૫ દિવસના ગાળા માટે નિ:શુલ્ક પ્રવેશ આપવા તથા અન્ય દિવસોમાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અથવા નજીવી રકમમાં પ્રવેશ આપવામાં આવે તેવી લેખિત રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્યમંત્રી ને લેખિતમાં કરાયેલી રજૂઆત બાબતે સંધ નાં પ્રમુખ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા કોલોની ખાતે ગુજરાતના વીર સપૂત તથા આપણા રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલ છે. વિશ્વપ્રસિદ્ધ નર્મદા ડેમ અને અન્ય પ્રવાસન પણ છે. વિશ્વભરના લોકો આ પ્રવાસન સ્થળની ઘણી મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. સમગ્ર ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી શૈક્ષણિક પ્રવાસ પણ યોજાતાં હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થયા બાદ તેના પ્રવેશ માટે જાણવા મળ્યા અનુસાર ૨૮૦ રૂપિયા જેટલી પ્રવેશ ફી રાખવામાં આવેલ છે.

શૈક્ષણિક પ્રવાસને આમાં કોઈ છૂટ આપવામાં આવેલ નથી ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ વિદ્યાર્થી અવસ્થામાં તથા સમાજના મધ્યમ અને આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ આટલી ઊંચી પ્રવેશ ફી ખર્ચી શકે તેમ ન હોવાથી, ગુજરાતમાં જ આવેલી આ વિશ્વની અજાયબી જોવાથી વંચિત રહી જતા હોય તેવું અનુભવે ધ્યાન પર આવ્યું છે. આર્થિક અગવડતાને કારણે વિદ્યાર્થીઓમાં ઊભી થયેલ ઉત્કંઠાને શૈક્ષણિક પ્રવાસના માધ્યમથી પૂરી કરી શકાતી નથી. ઘણી વખતે વિદ્યાર્થીઓ હતાશા પણ અનુભવે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રહિત, શિક્ષક હિત, સમાજહિત સાથે વિદ્યાર્થી હિતમાં પણ કાર્ય કરે છે. ઉપરોક્ત બાબતોને જોતા સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા કોલોની સહિતના ગુજરાતના સરકારી નિયંત્રણના પ્રવેશ શુલ્ક લેતા પ્રવાસન સ્થળોએ સરદારની જન્મ જયંતી તથા નિર્વાણ દિવસોના ૧૫ દિવસના સમયગાળા દરમિયાન શૈક્ષણિક પ્રવાસે આવતા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે અને અન્ય દિવસોમાં નિ:શુલ્ક અથવા નજીવી રકમમાં પ્રવેશ આપવામાં આવે તો મધ્યમ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ આપણા ઘર આંગણાના વિશ્વસ્તરના પ્રવાસન સ્થળનો લાભ લઇ શકે તેમ હોય વિદ્યાર્થી હિતમાં ઉપરોક્ત સમયગાળા તેમજ ત્યારબાદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અથવા નજીકની રકમે પ્રવેશ આપવા રજૂઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યુ હતું.