અમેરીકા જવાની લ્હાયમાં કલોલના યુવકનું મોત, પરિવાર ગંભીર રીતે ઘાયલ

ગાંધીનગરનો કલોલ પરિવાર તેમના ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા યુવકનું મોત થયું છે. ગત વર્ષે કેનેડાથી  અમેરીકા પ્રવેશતા જે રીતે ડીંગુચા, કલોલમાં પરીવાર મૃત્યુ પામ્યો હતો તેજ રીતે આ સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. જેમાં ગાંધીનગર કલોલના પરીવારમાંથી યુવકનું મૃત્યુ થયું છે. 

મેક્સિકોથી ગેરકાયદેસર અમેરીકા ઘુસતા આ ઘટના બની હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. પડોશી દેશ મેક્સિકોમાંથી ઘૂસણખોરી અને શરણાર્થીઓની સમસ્યાથી પરેશાન તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ પર 30 ફૂટ ઉંચી દિવાલ બનાવવામાં આવી છે. ગાંધીનગરનો કલોલ પરિવાર તેમના ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન આ ત્રણ સભ્યો 30 ફૂટ ઉંચી ટ્રમ્પ દિવાલ પરથી પડી જતાં બ્રિજકુમાર નામના યુવકનું મોત નીપજ્યું હતું અને તેની પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમની અત્યારે મેક્સિકોમાં સારવાર ચાલી રહી છે. 

કલોલની જીઆઈડીસીમાં નોકરી કરતા બ્રિજકુમાર નામના યુવકને અમેરિકા જવાની ઈચ્છા હતી, જેથી થોડા દિવસ પહેલા યુવક તેની પત્ની અને પુત્ર સાથે અમેરિકા જવા રવાના થયો હતો. કેનેડામાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવી રહ્યા છે. મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનેલી ટ્રમ્પ વોલ દ્વારા એજન્ટો અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડી રહ્યા છે. બ્રિજકુમાર અને તેમનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પર પહોંચતા આ ઘટના બની હતી. 

સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ પરીવાર અન્ય લોકોના ટોળા સાથે મેક્સિકોથી અમેરીકા પ્રવેશવા માટે જવાનો હતો ત્યારે તેઓ વિખૂટા પડી જતા આ ઘટના બની હોવાનું પણ સામે આવ્યું છે. બ્રિજ કુમાર તેમની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર  30 ફૂટ ઉંચી દિવાલ પર ચઢ્યા હતા જેમાં કોઈક કારણોસર બ્રિજ કુમાર, તેમના પત્ની અનેપુત્ર દિવાલ પરથી પડી ગયા હતા જેના કારણે માથામાં ગંભીર ઈજાને કારણે બ્રિજ કુમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે લોકોને અમેરીકા ઘુસાડવામાં આવતા લાખો રુપિયા વસૂલવામાં આવતા હોય છે.