#પાટણ કોર્ટ: રાજસ્થાનની પલાદરની દૂધમંડળીના મંત્રીને ચેક બાઉન્સ કેસમાં 6 માસ કેદની સજા ફટકારતી કોર્ટ

દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જોરારામ શામળાજી ચૌધરીને દોષિત ઠેરવીને મંત્રી જોરારામને 6 માસની સાદી કેદની સજા

પાટણની કોર્ટે ચેક બાઉન્સનાં એક કેસમાં રાજસ્થાનનાં ઝાલોર જિલ્લાનાં સાંચોર તાલુકાનાં પલાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જોરારામ શામળાજી ચૌધરીને દોષિત ઠેરવીને મંત્રી જોરારામને 6 માસની સાદી કેદની સજા અને મંડળી તથા મંત્રી જોરારામને રૂ।.2.27લાખનો દંડ ફટકાર્યો હતો ને દંડ ન ભરે તો જોરારામને વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવાની રહેશે.

આરોપીઓએ 2.27.000 દંડ રકમમાંથી રૂા.10.000 તત્કાળ જમા કરાવવા અને બાકીની રકમ રૂા. 2,17,000 દિન-30માં દંડ પેટે જમા કરાવવા આ કેસમાં આરોપી દ્વારા રકમ જમા થયા બાદ તેમાં રૂા. 2,17,000 ફરિયાદીને વળતર ચુકવી આપવા આદેશ કર્યો હતો તથા જો રૂા. 2.17.000દંડની રકમ દૂધમંડળી તથા તેનાં મંત્રી જોરારામ જમા ન કરાવે તો તે રકમ ફરીયાદી વસુલ કરી શકશે.

આ કેસની વિગતો એવી છે કે, ચાણસ્માથી પાર્થ કેટલફીડ ઇન્ડસ્ટ્રીઝના માલિક સુરેખાબેન પટેલનાં કુલમુખત્યાર મહેશભાઇ પટેલ પાસેથી રાજસ્થાનની ઉપરોક્ત દૂધ મંડળી અને તેના મંત્રીએ 2017 માં સુગમ દાણનો માલ ખરીદેલો જેનાં બાકી બીલનાં પૈસાની ઉઘરાણી ફરિયાદી પેઢીએ વારંવાર કરતાં આરોપી મંડળી અને તેમનાં મંત્રીએ દેના ગુજરાત ગ્રામીણ બેંક ધાનેરા શાખાનો રૂા. 2.17.000નો ચેક તા.16-5-17ના આપેલો જે ચેક ફરિયાદીએ તેમની પાટણની એચડીએફસી બેંકની શાખાનાં ખાતામાં જમા કરાવતાં અપૂરતા બેલેન્સનાં શેરા સાથે રિટર્ન થતાં તેમણએ પોતાનાં એડવોકેટ એમ.સી. પટેલ મારફત નોટિસ આપ્યા બાદ આરોપીઓ સામે નેગોશિયેલ ઇન્સ્ટ્રુમેન્ટ 138 મુજબ પાટણની કોર્ટમાં કેસ મુક્યો હતો. જે કેસ પાટણનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીની કોર્ટમાં ચાલી જતાં તેમણે બંને પક્ષોની રજુઆતો સાંભળીને ઉપરોક્ત સજા ફટકારી હતી.