પાટણની સ્વિમર ત્રિપુટી પાંચ રાજ્યોની યોજાયેલી ઝોન કક્ષાની ઝળકી…

ભોપાલમાં યોજાયેલી ઝોનલ કક્ષાની સ્પર્ધામાં સૃષ્ટિએ ત્રણ ગોલ્ડ, વૃષ્ટિએ ત્રણ ગોલ્ડ બે બ્રોન્ઝ અને વિહાંગે ત્રણ ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ અપાવ્યું..

પાટણ તા.30
પાટણની બાળ સ્વિમર તરીકે નામના મેળવેલી સૃષ્ટિ પટેલ સહિત ત્રણ બાળ સ્વીમર ત્રિપુટીએ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી પાંચ રાજ્યોની સીબીએસઇ સ્કૂલોની ઝોનલકક્ષાની વેસ્ટઝોન સ્વિમિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સૃષ્ટિ પટેલે ત્રણ ગોલ્ડ, વૃષ્ટિ પટેલે ત્રણ ગોલ્ડ બે બ્રોન્ઝ અને વિહાંગ સાલવીએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા પોતાનું નામ અંકિત કરી સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઓલિમ્પિક એસોસિયેશન સંલગ્ન એમ.પી. સ્ટેટ એક્વાટિક એસોસિએશન દ્વારા ભોપાલ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દીવ, દમણ એમ પાંચ રાજ્યોની સીબીએસઇ શાળાઓની ઝોનલ લેવલની વેસ્ટ ઝોન ચેમ્પિયન અંડર 17 સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

જેમાં પાટણની બાર વર્ષની સૃષ્ટિ દીક્ષિતભાઈ પટેલે કુલ ત્રણ ગોલ્ડ મેડલ,પાટણની વૃષ્ટિ મેહુલભાઈ પટેલે ત્રણ ગોલ્ડ મેડલ અને બે બ્રોન્ઝ મેડલ તેમજ પાટણના વિહાંગ આશીષભાઈ સાલવીએ અંડર 11 મા ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
સૃષ્ટિ પટેલ અગાઉ પણ સ્વિમિંગ ની વિવિધ સ્પર્ધાઓમાં, ખેલ મહાકુંભમાં તેમજ રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ચૂકી છે. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પાટણના ત્રણેય સ્વીમરો એ કુલ 11 મેડલ મેળવી આગામી નેશનલ કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા પોતાનું નામ અંકિત કર્યું છે.
પાટણના ત્રણેય સ્પર્ધકો એ મેળવેલ મેડલો માં સૃષ્ટિ પટેલે મેળવેલ મેડલ 200 મીટર ફ્રી સ્ટાઇલ,200 મીટર આઈએમ, 100 મીટર બટરફ્લાય માં ગોલ્ડ મેડલ જ્યારે વૃષ્ટિ પટેલે મેળવેલ મેડલ100 મીટર બટરફલાય, 200 મીટર બટરફ્લાય , 200 મીટર બેક મા ગોલ્ડ તેમજ 200 મીટર આઈએમ અને 50 મીટર બટરફ્લાયમાં બ્રોન્ઝ મેડલ અને વિહાંગ સાલવી એ મેળવેલ મેડલમા 200 મીટર આઈએમ, 100 મીટર ફ્રી સ્ટાઇલ, 50 મીટર ફ્રી સ્ટાઇલમા ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે..