પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કેબિનેટ મંત્રી એ મુલાકાત લીધી..

કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોચી વળવાની તૈયારીઓની કરી સમીક્ષા..

પાટણ તા.30
ગુજરાત રાજ્યના ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શુક્રવારના રોજ પાટણ જિલ્લાનનો પ્રવાસ ખેડ્યો હતો જેમાં સૌ પ્રથમ તેઓએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કેશ ક્રેડીટ કેમ્પમાં હાજરી આપ્યા બાદ તેઓ જી.એમ.ઈ.આર.એસ. ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યા તેઓએ કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્રની શુ તૈયારીઓ છે તેની સમીક્ષા કરી હતી.

હાલમાં અનેક દેશોમાં કોવિડ-૧૯ ના કેસોમાં અચાનક આવેલા વધારા બાદ ભારત સરકારે સાવચેતીના ભાગરૂપે કડક કોવિડ માર્ગદર્શિકાને અનુસરવા માટે દરેક રાજ્યોને સલાહ આપી છે. સરકારે ઓક્સિજન સપ્લાય, તેમજ તેની ઉપલબ્ધતાની ચકાસણી કરવા માટે પણ જણાવ્યું છે. સરકારની સુચના બાદ રાજ્યના દરેક જિલ્લામાં હાલમાં કોવિડ-19 સામે તકેદારીના ભાગરૂપે પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. આજરોજ પાટણની ધારપુર હોસ્પિટલની મુલાકાત દરમિયાન મંત્રી બળવંતસિંહ રાજપૂતે જિલ્લાવાસીઓને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી હતી. મંત્રીએ હોસ્પિટલના સ્ટાફની સાથે વાતચીત કરીને હાલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતી સામે લડવા માટે હોસ્પિટલમાં શુ વ્યવસ્થા કરવામાં આવી છે, બેડ થી લઈને ઓક્સિજન માટેની શું વ્યવસ્થા છે અને ભવિષ્યમાં કયા પ્રકારની તૈયારીઓ કરવા માટે હોસ્પિટલ તંત્ર સજ્જ છે તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. મંત્રીએ ભવિષ્યમાં હોસ્પિટલને જરૂર પ્રમાણે વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી.

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત સમયે માન. મંત્રીની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, ધારપુર હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પારૂલ શર્મા તેમજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ ઠાકોર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજીભાઈ ઠાકોર, પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ કે.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.