ગુજરાતના ૧૬ જિલ્લાના શિક્ષકો માટે વૈદિક ગણિતના રિસોર્સ પર્સનની તાલીમ યોજાઈ…

પાટણ તા.૩૧
GCERT ગાંધીનગર પ્રેરિત અને DIET વડોદરા આયોજિત વૈદિક ગણિત રીસોર્સ પર્સનની ત્રિદિવસીય તાલીમ તા. ૨૭, ૨૮, ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨ ને મંગળ, બુધ અને ગુરુવારના રોજ વડોદરાના કેલનપુર મુકામે દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે યોજાઈ હતી.

જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ૧૬ જિલ્લાઓના પ્રતિનિધિ તરીકે ૫૧ જેટલા રીસોર્સ પર્સનની તાલીમ યોજાયેલ જેમાં પાટણ જિલ્લાના બે ગણિત શિક્ષકો પીપીજી એક્સપરીમેન્ટલ હાઈસ્કૂલ, પાટણના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ધનરાજભાઈ ઠક્કર અને સિદ્ધપુરના શ્રી અભિનવ હાઈસ્કૂલના ગણિત શિક્ષક ડૉ. રુપેશભાઈ ભાટિયા એ માસ્ટર ટ્રેનર તરીકે ભૂમિકા ભજવેલ.

આ બંને શિક્ષકો રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન પ્રાપ્ત કરેલ છે તેમજ રાજ્યમાં અને રાજ્ય બહાર વૈદિક ગણિતની તાલીમ આપેલ છે. આ ઉપરાંત સંસ્કૃત પાઠશાળાના ડૉ. નરેન્દ્રભાઈ પંચોલી અને કલોલ ના વિજયસિંહ ખેરે માસ્ટર ટ્રેનર તરીકે પ્રશંસનીય કાર્ય કર્યું હતું.

સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ધો ૬ અને ૭ માં વિદ્યાર્થીઓને વૈદિક ગણિતનું પુસ્તક મળી ગયું છે, ત્યારે શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને વૈદિક ગણિત યોગ્ય રીતે સમજાવી શકે એ માટે રીસોર્સ પર્સનની ત્રિદિવસીય તાલીમ યોજાઈ ગઈ. જેમાં ધો ૬ અને ૭ ની પુસ્તકમાં આવતાં મુદ્દાઓ જેવા કે, સરવાળા, બાદબાકી, બીજાંક, પૂરક, ગુણાકારની વિવિધ પદ્ધતિઓ, વિભાજ્યતા અને વર્ગ વગેરેનો ઘનિષ્ટતમ અભ્યાસ કરાવવામાં આવ્યો. રાજ્ય કક્ષાએ તૈયાર થયેલા રીસોર્સ પર્સન પોતપોતાના જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વૈદિક ગણિતથી અભિમુખ કરી બાળકોને વર્ગખંડમાં ભણાવવા તૈયાર કરશે.
આ તાલીમમાં પાટણ જિલ્લાના ત્રણ પ્રાથમિક શિક્ષકો પ્રકાશભાઈ ચૌધરી, પ્રહ્લાદભાઈ, સંજયભાઈ એ રીસોર્સ પર્સન તરીકે તાલીમ મેળવેલ છે. વડોદરા ડાયેટના પ્રાધ્યાપક ડૉ. રમેશભાઈ અને ડૉ. વ્યોમેશભાઈ ગુર્જરે સમગ્ર તાલીમનું સુચારુ સંચાલન અને વ્યવસ્થા સંભાળી હતી.