પાટણમાં રખડતા પશુએ વધુ એક નવયુવક નો જીવ લીધો..

પશુ નાં કારણે થયેલા અકસ્માતમાં 16 દિવસની સારવાર બાદ આશાસ્પદ પાટણના યુવકનું કરુણ મોત..

રૂની ગામ નજીક બાઈક ચાલક યુવકનો પશુ સાથે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત..

પાટણ તા.૪
પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાઓ એ માજા મૂકી છે ત્યારે આ રખડતા ઢોરોની અડફેટે વધુ એક આશાસ્પદ યુવકનું 16 દિવસની સારવાર બાદ મોત નીપજયું હોવાની ઘટના સર્જાવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના બગવાડા,સુભાષચોક વિસ્તારમાં રહેતા સાધુ સિયોલા દેવેન્દ્ર નામના આશાસ્પદ યુવાન સોળ દિવસ પહેલા પોતાનું બાઈક લઈને રૂની માગૅ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માગૅ પર અચાનક વાછરડું આવતાં દેવેન્દ્ર પોતાના બાઈક સાથે ધડાકાભેર વાછરડા સાથે અથડાતા વાછરડા નું ધટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે દેવેન્દ્ર ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ તેની હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ૧૬ દિવસની સારવાર બાદ બુધવારના રોજ દેવેન્દ્ર એ પોતાનો દમ તોડતાં પરિવારજનો માં દુઃખની કાલીમા છવાઈ જવા પામી હતી.
પાટણમાં રખડતા પશુના કારણે વધુ એક આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો હોય પાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરો ની સમસ્યાનો અંત લાવવા તાત્કાલિક ઢોર ડબ્બાની ઝુંબેશ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.