આનંદીબેન પટેલ નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે પાટણનું આનંદ સરોવર પુનઃ ગંદા ગોબરા ગુગડી ના રૂપમાં ફેરવાયું..

આનંદ સરોવર માં ઉભી કરવામાં આવેલ મોટાભાગની સુવિધાઓ અલિપ્ત બની..

ઠેર ઠેર ગંદકી નુ સામ્રાજ્ય અને ભૂગર્ભ ગટર નાં ઠલવાતા ગંદાં પાણીનાં કારણે લોકો આનંદ સરોવર ખાતે આવવાનું ટાળી રહ્યા છે..

પાલિકા સત્તાધીશો ભષ્ટ્રાચાર ને બાજુ પર મૂકી આનંદ સરોવર ની રોનક પુનઃ લાવે તેવી શહેરીજનોની માંગ..

પાટણ તા.૫
પાટણમાં એક સમયે ગંદા ગોબરા વિસ્તાર તરીકે પ્રચલિત બનેલા ગુંગડી તળાવને ગુજરાતના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલે પોતાનો ડ્રિમ પ્રોજેક્ટ બનાવી લોક ભાગીદારી થી આનંદ સરોવર નામાભિધાન કરી તેમાં નૌકા વિહાર, માછલી ધર, બાળકો માટે નાં મનોરંજન નાં સાધનો,બાગ બગીચા,ઓપન એર થિયેટર, પાથ વે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી પાટણના નગરજનોને પયૅટન સ્થળ તરીકે ની ભેટ ધરતાં પાટણ વાસીઓએ પણ એક રમણીય પર્યટન સ્થળ ની સરાહના કરી પોતાનાં સહ પરિવાર સાથે અહિં આનંદ મેળવવા મોટી સંખ્યામાં આવતાં આ વિસ્તાર ની કાયાપલટ થઈ હતી અને તેનાં કારણે આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો એ પણ ગંદકી માંથી છુટકારો મેળ્યો હોવાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો પરંતુ પાલિકા સત્તાધીશો ની નિષ્ક્રિયતા ને કારણે જેમ જેમ સમય જતાં આનંદ સરોવર પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતાં આજે આ આનંદ સરોવર પુનઃ ગુગડી નાં રૂપમાં ફેરવાઈ રહ્યું હોવાની સાથે સાથે અસામાજિક તત્વો નો અડ્ડો બન્યું હોય તેવો અહેસાસ નગરજનો કરી રહ્યા છે.

આનંદીબેન પટેલ નાં ડ્રીમ પ્રોજેક્ટ સમા આનંદ સરોવરની હાલત પાલિકા તંત્રની નિષ્ક્રિયતાને કારણે દયનિય બની છે.
આનંદ સરોવરમાં ભૂગર્ભ નાં ગંદા પાણી ઢલવાતા પુનઃ આ વિસ્તાર દુષિત બન્યો છે તો નૌકા વિહાર બંધ કરી દેવામાં આવી છે, માછલી ધર નું નામો નિશાન જોવા મળતું નથી, બાળકો માટે ના મનોરંજન નાં સાધનો પણ કાટ ખાઈ ને ભંગારની હાલતમાં તુટેલા જોવા મળી રહ્યા છે, દાંતાના દાન થકી કાયૅરત કરવામાં આવેલ પાણી ની પરબ પરના નળ ગાયબ બનતાં પરબ પણ બંધ હાલતમાં શોભા નાં ગાઢીયા સમી બની છે તો પક્ષી માટે લાયન્સ પરિવાર દ્વારા બનાવાયેલ આરસ પથ્થરનો ચબુતરો પણ વણ ઉપયોગી બન્યો છે,ઓપન એર થિયેટર ની દિવાલો જજૅરીત બની છે તો ટોયલેટ બાથરૂમમાં પણ અસહ્ય ગંદકી ખદબદી રહી છે. અહિ પાટણના રાજવીઓના ફોટા સાથે નાં ઈતિહાસ પણ ગાયબ બન્યા છે.આનંદ સરોવરમાં જ્યાં નજર કરો ત્યાં કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે

જ્યારે તળાવની ફરતે ની સંરક્ષણ ગ્રીલ પણ કેટલીક જગ્યાએ તુટી ગયેલી જોવા મળી રહી છે તો રાત્રે આ આનંદ સરોવર અસામાજિક તત્વો નો અડ્ડો હોય તેવાં દ્રશ્યો નું પણ નિર્માણ થવા પામ્યું છે જેનાં કારણે પાટણ વાસીઓ પણ આનંદ સરોવર ખાતે આવવાનું ટાળી આનંદ સરોવર પુનઃ ગુગડી બન્યું હોવાનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે પાલિકાના ભષ્ટ્રાચારી વહીવટી શાશન માં અવાર નવાર આનંદ સરોવર નાં વિકાસ નાં નામે લાખો રૂપિયાની રકમ ફાળવી ભષ્ટ્રાચાર ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પાલિકાના વિરોધ પક્ષનાં નગર સેવક ભરત ભાટીયા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નાં ડ્રિમ પ્રોજેક્ટ એવા આનંદ સરોવરને પુનઃ ગુગડી બનતુ અટકાવવા પાલિકા સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર ની બદી ને બાજુ પર મૂકી સાચા અર્થમાં આનંદ સરોવર ની રોનક જિવંત બનાવે તેવી માંગ શહેરીજનો માં ઉઠવા પામી છે..