પાટણ જિલ્લાનો બીજો આયુષ મેળો વાગડોદ મુકામે યોજાયો..

જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સહિત ના મહાનુભાવો દ્રારા આયુષ ચિકિત્સા અપનાવવા હિમાયત કરાઈ..

પાટણ તા.18
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાટણ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાટણ તેમજ સિદ્ધપુર અને સરકારી હોમયોપથી કોલેજ દેથળી ના સંયુક્ત ઉપક્રમે બુધવાર ના રોજ મહાકાળી માતાજી ના મંદિર, વાગડોદ ખાતે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા ના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાના બીજા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા.
આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિઓનું સ્વાગત જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય રીનાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ આયુષની કામગીરી વિશેની માહિતી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાટણના વૈદ્ય પંચકર્મ વૈદ્ય ભાર્ગવભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી દ્વારા લોકોને આયુષ ચિકિત્સા અપનાવવા આહવાન કર્યું હતું.


જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ આયુષ મેળાના ઉદઘાટન સમારોહમાં રોજિંદા જીવનમાં આયુર્વેદને વણી લેવા માટે આહવાન કર્યું હતું.
કાર્યક્રમના અંતે વૈદ્ય હિતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી આયુર્વેદ હોસ્પિટલ સિદ્ધપુરના વૈદ્ય પંચકર્મ વૈદ્ય જીગ્નેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પંચાયત પાટણ હસ્તકના તમામ આયુર્વેદ તેમજ હોમિયોપેથિક મેડિકલ ઓફિસરો તથા અન્ય સ્ટાફ મિત્રો દ્વારા જહેમત ઉઠાવી હતી.

આયુષ મેળામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના યોગ ટ્રેનરો દ્વારા સૂર્યનમસ્કાર તેમજ અન્ય યોગાસનોનું નિદર્શન કરવામાં આવ્યું. આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, પંચકર્મ ચિકિત્સા, રસોડાના ઔષધો, આસપાસની વનસ્પતિના ઔષધો, યોગ નિદર્શન, હોમીઓપેથીક ચિકિત્સા પરિચય વગેરે વિષયો પર ચાર્ટ પ્રદર્શન યોજાયું. આ ઉપરાંત આયુષ મેળામાં હર્બલ ટી નું વિતરણ તેમજ ઋતુજન્ય રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.