પાટણની હોસ્પિટલમાં મોત સામે જંગ લડતા બાળકને 52 દિવસે નવજીવન મળ્યું

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુાકના કારેલા ગામના બે વર્ષીય બાળકને ગંભીર બિમારી લાગુ થયા બાદ સમાજના લોકોની આર્થિક મદદના કારણે પાટણની ખાનગી હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી હતી. 52 દિવસની લાંબી સારવાર બાદ બાળકને નવજીવન મળ્યું હતું.

પરિવાર આર્થિક રીતે સક્ષમના હોવાના કારણે પિતાએ બાળકને બચાવવા પાટણ આવી પહોંચ્ય હતા. બાળકને લાઇફલાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું પરંતુ તેનો ખર્ચ આશરે 8 થી 10 લાખ રૂપિયા જેટલો થતો હોઈ બાળકના પિતા ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. ત્યારે આ સમયે ક્ષત્રિય ઠાકોર ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલાએ ઠાકોર સેના પાટણ તાલુકા પ્રમુખ જગદેવસિંહ ઠાકોરને જાણ કરી જરૂરી મદદ માટેની અપીલ કરતા ઠાકોર સેનાના હોદેદારો અને કાર્યકરો આ બાળકની વ્હારે આવી સોશિયલ મીડિયામાં આર્થિક મદદ માટેનું અભિયાન શરૂ કર્યું હતું.

જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે 51 હજારની આર્થિક મદદ કરી ત્યારબાદ આર્થિક મદદનો સિલસિલો યથાવત રહેતા અને રાજકીય,સામાજિક,પાટણના અનેક નામાંકિત ડોક્ટર સહિત અને અલગ અલગ ક્ષેત્રના અને સમાજના લોકો તેમજ સંગઠનોએ આર્થિક મદદ કરી હતી.ડો દિપક મૂદગલ અને તેમની ટીમ દ્વારા 52 દિવસની સારવાર બાદ આખરે આ બાળકને નવજીવન મળ્યું જેને આજે રજા અપાતા ક્ષત્રિય ઠાકોર સેના પાટણ તાલુકા પ્રમુખ જગદેવસિંહ ઠાકોર, અશોકજી ઠાકોર, નટુજી ઠાકોર, પી.એલ.ઝાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ડો દિપક મૂદગલે પણ આ સેવા કાર્યમાં જોડાઈ આશરે 1.60 લાખ રૂપિયા માફ કર્યા આમ સોશિયલ મીડિયામાં ચાલેલા અભિયાન થી બાળકને નવજીવન મળ્યું છે