
પાલિકા ની સામાન્ય સભામાં નળ વેરો અને ભૂગર્ભ વેરો વધારવાના કામને મંજૂર રખાયો..
શહેરમાં ગેરકાયદેસર ના બાધકામ મુદ્દે પાલિકા કડક કાર્યવાહી હાથ ધરે તેવી નગર સેવકોએ માગ કરી..
પાટણ તા. 24
પાટણ નગરપાલિકા ખાતે મંગળવાર ની સાંજે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત સામાન્ય સભામાં શહેરની કેનાલ રોડ પરની સોસાયટીના રહીશોએ કેનાલમાં ઠલવાતી ભૂગર્ભ ગટરની ગંદકી ના પ્રશ્નને લઈને હંગામો મચાવતા સનસનાટી મચી જવા પામી હતી. જોકે આ મામલે તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવવાની હૈયા ધારણા આપતા રહીશો શાંત પડ્યા હતા.

પાલિકાના સભાખંડ ખાતે મંગળવારે યોજાયેલી સાધારણ સભામાં એજન્ડા પરના 69 જેટલા કામોને રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકીના કેટલાક વિવાદિત કામો ના મંજૂર અને પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા તો કેટલાક વિકાસના કામો સવૉનુમતે મંજૂર કરાયા હતા.તો સાધારણ સભામાં નળ વેરો અને ભૂગર્ભવેરો વધારવાના નિર્ણય ને મંજુર રખાયો હતો. જ્યારે વધારાના 29 કામો પૈકીના મોટાભાગના કામોને મંજૂર કરાયા હતા. વધારાના કામોમાં પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા શહેરમાં નગરપાલિકાની મંજૂરી વગર થતાં ગેરકાયદેસરના બાંધકામો વિશે ના મુદ્દે પાલિકા દ્વારા કડક વલણ અપનાવવા સર્વાનુમતે સૂચન કરવામાં આવ્યું હતું. તો કોર્પોરેટર મુકેશ પટેલ દ્વારા પણ ગેરકાયદેસરના દબાણ મામલે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય તેવી ઉગ્ર રજૂઆત કરતાં સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા સર્વે સભ્યોએ સમર્થન આપી શહેરને દબાણ મુક્ત બનાવવા જણાવ્યું હતું.

સામાન્ય સભાની શરૂઆત મા પાટણ નગર પાલિકા ના પૂવૅ પ્રમુખ મનોજભાઈ ઝવેરી ના અવસાન ને લઇ બે મિનિટ નું મૌન પાળી શ્રધ્ધા સુમન સમપિર્ત કરવામાં આવ્યા હતા. પાટણ નગરપાલિકા ખાતે મંગળવારે મળેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલ, ઉપ-પ્રમુખ ધર્મેશ
ભાઈ પ્રજાપતિ, ઓફિસ સુપ્રીટેન્ડન્ટ જયભાઈ રામી, વિપક્ષના નેતા દેવચંદભાઈ પટેલ, દંડક હરેશભાઈ મોદી સહિત નગરસેવકો અને નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.