પાટણની શેઠ એમ.એન. પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ..

પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા..

પાટણ તા. 30
પાટણ શહેરની શેઠ એમ.એન.પ્રાથમિક શાળા ખાતે પી.એમ પોષણ કાર્યક્રમ અંતર્ગત મધ્યાન ભોજન (MDM) દ્વારા જિલ્લા કક્ષાની બેસ્ટ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પાટણ જીલ્લાના દરેક તાલુકા માંથી વિજેતા થયેલ કુલ-૧૮ સેન્ટર મધ્યાન ભોજન કેન્દ્રએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. જેમાં બાજરી જુવાર તથા રાગીમાંથી બનાવવામાં આવેલ વાનગીઓ અને તેનું પોષણક્ષમતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એમ.એન. પ્રાથમિક શાળાના પ્રાર્થના હોલમાં ગેસ અને સગડા ઉપર લાઈવ રસોઈ રસોઈયા દ્વારા બનાવવામાં આવી હતી અને વાનગીઓ તૈયાર થયા બાદ શાળાના પુરીબા પ્રાર્થના હોલમાં મૂલ્યાંકન માટે મૂકવામાં આવેલ હતી. જેમાં પ્રથમ ત્રણ નંબરને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર સંચાલકને 10,000/-, દ્રિતીય નંબર પ્રાપ્ત કરનાર સંચાલકને 5,000/-, તૃતીય નંબર પ્રાપ્ત કરનાર સંચાલકને 3,000/-ના ઇનામો તથા પ્રમાણપત્રો નાયબ કલેકટર એ.વી.પારગી અને સંજયભાઈ ચૌધરી ના હસ્તે આપવામાં આવેલ તથા વિજેતા સંચાલકોને જીલ્લાના “જિલ્લા શ્રેષ્ઠ P.M. Poshan Cook” જાહેર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના નાયબ કલેક્ટર સંજયભાઈ ચૌધરીએ કેન્દ્ર સંચાલકોને મધ્યાન ભોજન યોજના અંતર્ગત સ્વાદિષ્ટ અને પોષ્ટિક આહાર બાળકોને આપવા માટે માહિતગાર કર્યા હતા. તેમજ સ્પર્ધામાં વિજેતા થયેલ સંચાલકો તેમજ બાકીના તમામ સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો થાય તેવું ઉદબોધન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત જે સંચાલકોએ પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પ્રાપ્ત કર્યો એના સિવાયના કુલ-15 સંચાલકોને રૂ 500/- આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં પાટણ ICDS પોગ્રામર ગૌરીબેન, CDPO ઉર્મિલાબેન પટેલ, મ.ભો.યો.સુપરવાઈઝર, શ્રી ઉત્તમભાઈ (CRC), શાળાના આચાર્યશ્રી, શીલાબેન દેસાઈ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.