શહેરના હાસાપુર વિસ્તાર ની સમસ્યા નું બે દિવસમાં નિરાકરણ લાવવામાં નહિ આવે તો આંદોલન કરાશે : ધારાસભ્ય..

વિસ્તારના રહિશો દ્રારા આયોજિત સન્માન કાર્યક્રમમાં રહીશોની વેદના સાંભળી ધારાસભ્ય અકળાયા..

પાટણ તા. 31
પાટણ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર ગામના શ્રી બંગ્લોઝ, હરસિધ્ધ નગર, મેનાદીપ,કમળાદીપ, જ્યોતિ પાર્ક જેવી તમામ સોસાયટીઓના રહીશો દ્વારા પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલનો મંગળવારે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય સમક્ષ આ વિસ્તાર ના રહિશો એ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા છ મહિના થી ભૂગર્ભ ગટર નું કામકાજ સંપૂર્ણ પૂર્ણ થઇ જવા છતાં પંપીંગ સ્ટેશન ચાલુ નહીં કરાતા વિસ્તાર માં ઉભરાતી ગટરની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની છે. તો હાલમાં લગ્નની સીઝન હોય ગામ માં તમામ જગ્યાએ જાહેર રસ્તા ઉપર ગટરના પાણી ભરેલા હોય લોકોને તથા મહેમાનોને ગંદા પાણી માંથી પસાર થવાની ફરજ પડી રહી છે.

રહીશોની સમસ્યા જાણી ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા નગર પાલિકા ના ચીફ ઓફિસર અને જીયુડીસી ના અધિકારી સાથે ટેલિફોનીક વાતચીત કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા બે દિવસનો સમય આપી આ સમસ્યાનો ઉકેલ નહી આવે અને પંપીંગ સ્ટેશનનો કાર્યરત કરવામાં નહીં આવે તો વિસ્તારની પ્રજા સાથે ઉગ્ર આંદોલન કરી જીયુડી સી તેમજ ચીફઓફિસર ની ઓફિસમાં ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી.