પાલિકા ની ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ મા આડખીલી બનતાં રખડતાં ઢોર માલિકો..

પુરેલ ઢોરોને તાળું તોડી રખડતાં ઢોર માલિકો ભગાડી જતા પાલિકા દ્વારા ફરિયાદ ની તજવીજ હાથ ધરાય..

પાટણ તા.1
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા ઢોર ડબ્બે કરવાનું અભિયાન મંગળવાર થી શરૂ કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે પાલિકા દ્વારા 20 જેટલા નાના મોટા ગાય આખલા સહિતના રખડતા ઢોરોને ડબ્બે કરી સ્થાનિક પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આજે બુધવારના રોજ પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા શહેરના જુના પાવર હાઉસ નજીક પાલિકાની જગ્યામાં રખડતા ઢોરોને બંધ કરી પાંજરામાં પુરવાની તજ વીજ હાથ ધરાય તે પૂર્વે કેટલાક માથાભારે રખડતા ઢોરોના માલિકોએ દરવાજાનું તાળું તોડી પુરેલા ઢોરોને ભગાડી મુકતા અને આ બાબતે પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરતા પાલિકાના ઢોર ડબ્બા અધિકારી દ્વારા રખડતા ઢોરોના માથાભારે માલિકો સામે પાટણ પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હોવાનું પાલિકાના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને શહેરીજનોએ સરાહનીય લેખાવી છે ત્યારે આવા માથાભારે તત્વો સામે પાટણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.