મુખ્યમંત્રીના હસ્તે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રારંભ કરાયેલ ઓનલાઈન પોર્ટલનું પણ લૉન્ચ

ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને મેઘનિર્ઘોષના સંયુક્ત ઉપક્રમે ‘વીર સાવરકર – ભારતના મહાનાયક’ વિષય પર આયોજિત સેમિનારમાં પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને મેઘનિર્ઘોષના સંયુક્ત ઉપક્રમે ‘વીર સાવરકર – ભારતના મહાનાયક’ વિષય પર આયોજિત સેમિનારમાં જણાવ્યું હતું કે, વીર સાવરકર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અનસંગ હિરો છે. આજે આવા જ વ્યક્તિત્વનું પૂણ્ય સ્મરણ કરવાનો આ અવસર આજની પેઢીનો અને આવનારી પેઢીઓનો રાષ્ટ્રહિત પ્રબળ કરશે.

મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનએ વીર સાવરકરને ‘અનેક વિશેષતાઓથી ભરેલું વ્યક્તિત્વ’ પણ કહ્યું છે. વીર સાવરકરના જીવન કાર્યો વિશે જેટલું બોલીએ, વાંચીએ, લખીએ તેટલું ઓછું જ છે. આપણી યુવા પેઢી, આવનારી પેઢી સાવરકરને ભુલે નહીં, સાવરકરના ત્યાગ, બલિદાન અને વિચારોને જાણે-સમજે તે જોવાની આપણા સૌની જવાબદારી છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, ભારતની સનાતન પરંપરાને માનનારા વીર સાવરકર અંગ્રેજી આક્રાંતાઓ સામે સશસ્ત્ર ક્રાંતિ કરવાના પ્રણેતા હતા. આમ વીર સાવરકરને યાદ કરવાના કારણો હજાર છે, પણ ભુલવાનું કારણ એક પણ નથી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લેખક રસિકબા કેસરિયા દ્વારા લેખિત પુસ્તક ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રારંભ કરાયેલ ઓનલાઈન પોર્ટલનું પણ લૉન્ચ પણ કરાયું હતું.