પાટણ તા. ૫
ગુજરાતના પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે પાંડવો દ્વારા પ્રસ્થાપિતા લોહેશ્વર મહાદેવજી નું મંદિર આવેલું છે. જે યાત્રાધામ શંખેશ્વર, સમી અને હારિજ ત્રણે તાલુકાથી 15 કિ.મી.ના અંતરે આવેલું છે. જ્યાં દર અમાસે શ્રદ્ધાળુઓ ઊમટે છે. અહીં ધાર્મિક મેળો ભરાય છે. આ મંદિર અત્યંત જીર્ણ હાલતમાં હોવાથી તેનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે જે સોમનાથના મંદિર જેવું છે.
શ્રી લોહેશ્વર મહાદેવનું નવું મંદિર શિલ્પીઓ દ્રારા બંસીપાલપૂર ના લાલ પથ્થર માથી કલાત્મક કોતરણી કરવામાં આવી છે. આ મંદિર દોઢ કરોડના ખર્ચે તૈયાર થયું છે, જેની ઊંચાઈ 55 ફીટ, ગર્ભગૃહ 11 ફીટ 10 ઈંચનું, આગળનો ચોકીયારો 11 ફીટનો, ત્રણ બાજુએ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર, 2 ઘુમ્મટ, 1 શિખર, 26 સ્તંભો સાથે 8 હજાર ઘનફૂટમા નિર્માણ પામ્યું છે.
અહીં નારાયણબલી વિધિનું વિશેષ મહત્ત્વ છે. શ્રદ્ધાળુઓ માતૃ-પિતૃના શ્રાદ્ધતર્પણ તથા ગ્રહોનાં શાંતિવિધાન, ધાર્મિક યજ્ઞાદિકર્મ, રુદ્રાભિષેક કરાવવા વર્ષ દરમિ યાન આવે છે. અહીં ફાગણ વદ અગિયારસથી અમાસ સુધી ધૂણીયા મેળો ભરાય છે. જેમાં ભૂત-પિશાચ, માનસિક રોગ, દુઃખ-દર્દથી પીડાતા લોકો બાધા-માનતા રાખી હોય તે ભગવાનના દર્શનથી દુર થાય છે.
પાટણમાં વસતા તળપદ દરજી સમાજ દ્વારા પરંપરાગત મુજબ શુક્રવારે વઢીયાર પંથકનાં લોટેશ્વર મહાદેવ ખાતે પગપાળા યાત્રા સંઘે પ્રસ્થાન કર્યુ હતું. વઢીયાર પંથકમાં આવેલા લોટેશ્વર મહાદેવ યાત્રાધામ વિવિધ સમાજના લોકો માટે શ્રદ્ધા, ભકિત અને આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે. કહેવાય છે કે, મહા ભારત નાં સમયકાળ દરમિયાન 11 વર્ષના વનવાસ સમયે પાંડવોએ આ સ્થળે રોકાયા હતા. તો દંતકથા મુજબ ભીમે આ સ્થળે લોટી ઉંધી વાળતા સ્વયંભુ શિવલીંગ પ્રગટ થયુ હતું. ત્યારથી આ સ્થળ લોટેશ્વર યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ બન્યું છે. પુરાણોમાં મળેલા ઉલ્લેખો મુજબ સમગ્ર ભારત વર્ષમાં માત્ર આ સ્થળે માતૃ અને પિતૃ તર્પણ કરવાથી તમામ આત્માઓને મુક્તિ મળે છે.
પાટણ શહેરમાં વસતા તળપદ દરજી સમાજના લોકો વર્ષોથી પરંપરાગત મુજબ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા પગપાળા યાત્રાસંઘ યોજી મહાદેવને શીશ નમાવવા જાય છે. ફાગણ વદ અગીયારસને શુક્રવાર ના પવિત્ર દિવસે સમાજના ગોળશેરી ખાતે આવેલ રામજી મંદિર ખાતે ભગવાન ભોળાનાથના ત્રિશુળ અને ધજાદંડની સંઘવી પરીવાર દ્વારા વિધીવત પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ પાટણ શહેરના ગંજીપીર વિસ્તારમાં આવેલ સાગોટાની શેરી ખાતેથી દરજી સમાજનો પગપાળા સંઘ પ્રસ્થાન પામ્યો હતો.
સંઘના પ્રસ્થાન પૂર્વે કુળદેવી આશાપુરા માતાના મંદિરે ભગવાન ભોળાનાથના ત્રીશુળ અને ધજાદંડની પૂજાવિધી યોજાઈ હતી. ત્યારબાદ આ સંઘનું ઘેર ઘેર સામૈયુ કરવામાં આવ્યુ હતું. છેલ્લા કેટલાક વર્ષથી તળપદ દરજી સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ સંઘપતિઓ દ્વારા આ સંઘ યોજવામાં આવે છે. આ સંઘમાં ચાલુ વર્ષે 50 જેટલા પદયાત્રીઓએ ભોલેનાથના જયધોષ સાથે વાજતે ગાજતે લોટેશ્વર મહાદેવ ખાતે પ્રસ્થાન કર્યું હતું. નોંધનીય છે કે, દરજી સમાજના લોકો ત્રણ દિવસ સુધી લોટેશ્વર મહાદેવ ખાતે રોકાઈ પોતાની બાધામાનતા પૂર્ણ કરી ચૌદસની સવારે ભગવાન ભોલેનાથના મંદિર પર ધજા આરોહણ ની વિધી પૂર્ણ કરશે તેવું પાટણ તળપદ દરજી સમાજના યુવા જયેશભાઈ દરજીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી