નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 233 2357 ઉપર જાણ કરી ફરિયાદ નોંધાવી શકશે..
પાટણ તા. ૧૫
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પાટણ જિલ્લામાં આગામી તા. 07/05/2024 ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈ વ્યક્તિ મતાધિકારનો ઉપયોગ કરવા માટે રોકડ કે ચીજ વસ્તુઓ સ્વરૂપે પ્રલોભન આપે કે સ્વીકાર કરે તો ભારતીય દંડ સંહિતાની કલમ 171-ખ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ કે બન્ને સજાના પાત્ર બને છે. વધુમાં કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-171-ગ મુજબ એક વર્ષ સુધી ની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. તેથી ચૂંટણી દરમિયાન લાંચ આપનાર કે લેનાર સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લામાં ફ્લાઈંગ સ્કોડ ટીમની રચના કરવામાં આવી છે.
તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, લાંચ લેવાથી દુર રહેવું. કોઈ પણ પ્રકારની લાંચ લેવી નહી. કોઈપણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈ પણ જાણકારી મળે અથવા મતદારોને ધાક ધમકી આપવામાં આવી હોય તો તેવા કિસ્સામાં તે અંગે ફરિયાદ આપવા માટે જિલ્લાના 24*7 કાર્યરત ફરિયાદ દેખરેખ નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર 1800 233 2357 પર જાણ કરવા પાટણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી