પરીક્ષા કેન્દ્રો પર બેઠક નંબર જોવા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા..
પાટણ તા. ૧૦
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા સોમવાર થી શરૂ થવાની છે. ત્યારે પરીક્ષા કેન્દ્રો અને પ્રશાસન દ્વારા અંતિમ તબક્કાની તૈયારી પૂણૅ કરવામાં આવી છે. પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થી ઓ બેઠક વ્યવસ્થા જોવા આવી શકે, તે માટે સ્કૂલો દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓના સીટ નંબર લખવામાં આવ્યા છે તો વિદ્યાર્થીઓ પણ પોતાના બેઠક નંબર જોવા સ્કૂલ ખાતે આવ્યા હતા.
પાટણ જિલ્લા માં ધો 10 ની બે ઝોન માં પરીક્ષા યોજાવાની છે જેમાં પાટણ ઝોનમાં કુલ 12 પરીક્ષા કેન્દ્રોમાં 36 બિલ્ડિંગોના 380 બ્લોકમાં 10,691 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવાયેલ છે જ્યારે હારીજ ઝોનમાં 10 કેન્દ્રના 31 બિલ્ડીંગોના 275 બ્લોકમાં 7803 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવેલ છે.ધોરણ 12 સાયન્સ માટે પાટણ ઝોનમાં 2053 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમના માટે 4 પરીક્ષા કેન્દ્રોના 10 બિલ્ડિંગોમાં 104 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 10,026 વિદ્યાર્થીઓ માટે 13 પરીક્ષા કેન્દ્રના 32 બિલ્ડિંગોમાં 325 બ્લોકમાં બેઠક વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું છે.આ તમામ બીલ્ડીગોમા સીસીટીવી કેમેરા સજ્જ રાખવામાં આવ્યા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે માટે દરેક કેન્દ્ર ઉપર મોઠુ મીઠું કરાવી વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહન સાથે વર્ગખંડમાં પ્રવેશ કરાવવામાં આવશે. પાટણ જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાથીઓ માટે 26 લેહીયાની વ્યવસ્થા કરાઇ છે.જેમાં ધોરણ 10 નાં વિદ્યાર્થીઓ માટે 16 લેહિયા અને ધોરણ 12 માં નાં વિદ્યાથીઓ માટે 10 લેહિયાની મદદથી પરીક્ષા આપશે.
બોડૅ ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સહિત વિદ્યાર્થીઓને પીવા માટે ના પાણી સહિતની સુવિધાઓ વર્ગખંડમાં મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે.તેમજ ઓબ્ઝર્વેશન અને ચેકિંગ માટે વિજિલન્સ ટીમ ઉપરાંત જિલ્લા શિક્ષણ વિભાગની અલગ અલગ ટીમ પરીક્ષા કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ ચેકિંગ કરશે. પરીક્ષા માટે કોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેના દ્વારા પરીક્ષાનું મોનિટરિંગ કરવામાં આવશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે એસટીના તમામ રૂટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. પરીક્ષા દરમિયાન વીજળીની કોઈ સમસ્યા ન થાય તે માટે જીઈબીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર એક આરોગ્ય કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવી હોવાની સાથે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું. જિલ્લા શિક્ષણાધિકારી એ.એન.ચૌધરીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી