કુલપતિ સહિતના તજજ્ઞ વક્તાઓ દ્વારા બન્ને સાહિત્યકારો નાં જીવન વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા..
પાટણ તા.૫
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે ગુરૂવારના રોજ મોહનલાલ પટેલ અને ઉમાશંકર જોશી વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના કુલપતિ પ્રો જે જે વોરાના અધ્યક્ષ સ્થાને અને રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઇ તેમજ તજજ્ઞ વક્તા ડો.મફતલાલ પટેલ, ડો.ઋષિકેશ રાવલ અને વલ્લભભાઈ ની ખાસ ઉપસ્થિતિ વચ્ચે વિવિધ વિભાગના અધ્યાપકો, વિધ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓએ આ વ્યાખ્યાન માળાનું રસપાન કર્યું હતું.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો જે જે વોરાએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નગરી પાટણ એ ગુજરાતની રાજધાની હતી. અહી મહાન વીરાંગના નાયકાદેવીએ મોહમદ્દ ઘોરીને મહાત આપી ભારતીય નારીશક્તિનો પરિચય કરાવ્યો હતો જે ઘોરી ફરી ગુજરાત તરફ નઝર લગાવી નહોતી. પાટણ રાજમાતા મીનળદેવીનો ન્યાય, ઉદયમતીની કલા પ્રિયતા રાણી ની વાવ માં દેખાય છે. ત્યારે ભારતની નારી સદીઓથી સશક્તિકરણનું પ્રતિક બની રહી છે.
આ પ્રસંગે કેળવણીકાર પ્રો. મફતલાલ પટેલે ઉત્તર ગુજરાતનાં ઊંચા ગજાના સાહિત્યકાર મોહનલાલ પટેલના જીવન પર તેમના સાહિત્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આઝાદી સમયે મોહનભાઇ પટેલે ઊંચા ગજાનું સાહિત્ય રચ્યું છે. સાહિત્ય ક્ષેત્રે તેમણે 20 નવલકથાઓ, 133 વાર્તાઓ અને 500 થી વધુ લઘુકથા ઓ લખી છે. ત્યારે તેમના સાહિત્યમાં પણ મનોવિજ્ઞાન છે. તેમણે તેમના આ ઉત્તમ અનુભવોથી અનેક યુવાનોને કેળવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના લાઇબ્રેરીયન કનકબાળા જાનીએ કર્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના 10 જેટલા અધ્યાપકોને સંશોધન હેતુ ચેક વિતરણ અને સંશોધન મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે રજિસ્ટ્રાર ડો રોહિતભાઈ દેસાઇ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. કમલ મોઢ સહિત વિવિધ વિભાગના અધ્યાપકો, વિધ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.