શાળાની ઘો.9 થી 12 ની 150 વિધાર્થીનીઓ બ્યુટી એન્ડ વેલનેસ નું જ્ઞાન મેળવી રહી છે.
વધુમાં વધુ વિદ્યાર્થીનીઓ આત્મ નિર્ભર બને તેવી શાળા પરિવાર ની ખેવના.
પાટણ તા. ૧૧
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં આત્મ નિર્ભર નાં મંત્ર ને ચરિતાર્થ કરવા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓે જુદા જુદા વિષયોના શિક્ષણની સાથે સાથે રોજગાર લક્ષી શિક્ષણ મેળવી ભવિષ્યમાં આત્મનિર્ભર બની પગભર થઈ શકેે તે માટે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રોજગાર લક્ષી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે પાટણ ના ગરીબ અને મધ્યમ વર્ગની પરિવારની વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે સાથે આત્મ નિર્ભર બનાવવાની પ્રેરણા પૂરી પાડતી સરકારી કે.કે ગલ્સૅ હાઈસ્કૂલમાં શરૂ કરવામાં આવેલ બ્યુટી એન્ડ વેલનેસ વિષય અંતર્ગત લેબ શરૂ કરવામાં આવી છે જેમાં હાલમાં કુલ 150 વિદ્યાર્થીનીઓને બ્યુટી પાર્લરનો વ્યવસાય શીખવાડવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીનીઓને આત્મ નિર્ભર બનાવવા માટે શાળામાં શરૂ કરવામાં આવેલ લેબ બાબતે માહિતી આપતા હોવાનું શાળા નાં આચાયૅ ડો. દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આત્મ નિર્ભર ભારતની દિશામાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેમના અભ્યાસકાળમાં જ વ્યવસાયલક્ષી શિક્ષણ મળી રહે તેવા સરકારના પ્રયાસથી શરૂ કરવામાં આવેલા વ્યવસાયલક્ષી ટ્રેડ વિદ્યાર્થીનીઓ માટે આત્મ નિર્ભર બનવાનું સાધન બન્યા છે ત્યારે પાટણની સરકારી શ્રીમતી કેસરભાઇ કીલા ચંદ કન્યા વિદ્યાલયમાં બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડ છેલ્લા પાંચ વર્ષથી શરૂ કરવામાં આવેલ છે જેમાં અત્યાધુનિક અધતન પ્રેક્ટીકલ લેબ પણ તૈયાર કરવામાં આવી છે જે લેબનો શાળાની ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓ ને લાભ મળી રહ્યો છે. વિદ્યાર્થીનીઓ આ લેબમાં આઇબ્રો,વેક્સ, હેર કટીંગ, કરલી, સ્ટેટનીંગ, મેડિક્યોર, પેડીક્યોર, ફેશિયલ, બ્લીચીંગ, હેર સ્ટાઈલ વગેરેની પ્રેક્ટિસ મેળવી રહી છે. તો કેટલીક વિદ્યાર્થીનીઓ આ લેબમાં પ્રેક્ટિસ મેળવીને પોતાના ઘરે નાનું મોટું બ્યુટી પાર્લર નું કામ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થઈ રહી છે અને પોતાના શિક્ષણનો ખર્ચ પણ જાતે ઉઠાવી આત્મ નિર્ભરના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે
પાટણ જિલ્લાની સાત જેટલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સ્કીલ કેળવાય તે માટે જુદા જુદા શિક્ષણ સાથે રોજગાર લક્ષી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે પાટણ શહેરની કે કે ગર્લ્સ હાઇસ્કુલમાં ધો 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ માટે બ્યુટી એન્ડ વેલનેસ વિષય પર અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે .
કે કે ગર્લ્સ શાળામાં બ્યુટી એન્ડ વેલનેસ નું ધોરણ નવ થી વ્યવસાયલક્ષી માર્ગદર્શન મેળવી ધોરણ 12 માં પહોંચેલ વિદ્યાર્થીની પટણી પ્રિયંકાએ જણાવ્યું હતું કે અહીંના કોમલ મેડમ દ્વારા અમને વિગતવાર બ્યુટી પાર્લર નું માર્ગદર્શન સાથે પ્રેક્ટીકલ જ્ઞાન પૂરું પાડવામાં આવી રહ્યું છે જેના દ્વારા અમે આત્મ નિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. તો આજ શાળામાં ચાર વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે બ્યુટી એન્ડ વેલનેસ ની ટ્રેનિંગ લઈ તૈયાર થયેલી સૈયદ મહેરાબાનું એ જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસની સાથે સાથે વ્યવસાયલક્ષી માર્ગદર્શન મેળવવાથી હાલમાં હું આત્મા નિર્ભર બની મારુ પોતાનું બ્યુટી પાર્લર ચલાઉ છું સાથે સાથે મારા ઘરે મારી નાની બહેનને પણ બ્યુટી પાર્લર ની કામગીરી શીખવાડી તે પણ પોતાનો ખર્ચ જાતે જ ઉપાડી સ્વનિર્ભર બની હોવાનું તેણીએ જણાવી અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને તે માટે ભારત સરકારની આત્મ નિર્ભર વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ યોજના ખૂબ જ ઉપકારક બની હોવાનું તેણીએ જણાવ્યું હતું.